અમદાવાદ, તા.ર૦
એનસીપીના નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાની આગવી ફાયર બ્રાન્ડ અદામાં જણાવ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધી એ એક નાટક છે. તેમણે આ મામલે રાજ્યની મોટાભાગની પ્રજા એવું ઈચ્છે છે કે, આ ઢોંગી નીતિ બદલાવી જોઈએ. આ મામલે તેમણે બુટલેગરો અને તંત્રની મીલીભગત તરફ પણ ઈશારો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જો મારી સરકાર આવશે તો સૌથી પહેલું કામ દારૂબંધીની આ ઢોંગી નીતિને તોડવાનું કરીશ. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની દારૂબંધીને એક નાટક ગણાવ્યું છે. દારૂબંધી મામલે તેમણે પુર્નવિચાર કરવાનું જણાવી દારૂબંધી હોવાથી બુટલેગરો અને ગુંડાઓ ઊભા થયા છે જેમાં કેટલાક તો તંત્રને પણ બાનમાં લે છે જે ન ચાલવું જોઈએ, એમ પણ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. દારૂબંધીની બે નંબરની વધુ આવક હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમના મતે દારૂબંધીને કારણે જે લાયક નથી એવા લોકો પાસે પૈસા આવે છે. તેમણે ગાંધીનગરમાં પણ દારૂ મંગાવી દેવાની વાત કરી આ દારૂબંધી માત્રને માત્ર નાટક જ હોવાનું જણાવી આ તો દારૂબંધી છે કે, દારૂખૂલ્લી એ જ નથી સમજાતું. તેમના જણાવ્યા મુજબ ગુજરાતની સાડા છ કરોડ પ્રજામાંથી કદાચ ચાર કરોડ લોકો એવું ઈચ્છતા હશે કે, આવી દારૂબંધીની ઢોંગી નીતિ બદલાવી જોઈએ. જો મારી સરકાર આવશે તો સૌથી પહેલું કામ આ ઢોંગી નીતિને તોડવાનું કરીશ. ૧૦૦ દિવસમાં કાયદો થશે અને કાયદો એવો થશે કે, લોકોએ દારૂ પીવા દિવ-દમણ, આબુ, ગોવા, મુંબઈ કે રાજસ્થાન જવાની જરૂર નહીં પડે.