જંબુસર, તા.૧૯
દારૂલ ઉલૂમ દેવબંદમાં પોતાની દીની ઈલ્મી સેવા આપતાં મૂળ ગુજરાતના બનાસકાંઠાના કાલેડા ગામના વતની મહાન આલીમ દીન અને દારૂલ ઉલૂમ દેવબંદના શૈખુલ હદીષ હઝરત મૌલાના મુફતી સઈદ પાલનપુરી (રહે.) આજ તારીખ ૧૯-પ-ર૦ર૦ના રોજ આ ફાની દુનિયાને છોડી હંમેશ માટે આલમ આખિરતના મુસાફીર થઈ ગયા. એક મહાન પ્રખર અને ઉચ્ચ કોટીના આલિમે દીન મહાન દીની તત્વ ચિંતક અને આલમે ઈસ્લામના મહાન બુઝુર્ગોની એક જીવતી જાગતી છબિ પ્રતિકૃતિ હતા. આપે આપનું સમગ્ર જીવન હદીષની ખિદમત અને ઈસ્લામની સેવામાં અર્પિત કર્યું. આપ અસંખ્ય કિતાબોના લેખક પણ રહ્યા છો. હઝરતે પોતાની પ્રારંભિક દીની તાલીમ મદારે વતનમાં મેળવી અને દારૂલ ઉલૂમ છાપીમાં પોતાની તાલીમી યાત્રા શરૂ કરી. સહારનપુર અને દેવબંદથી એક હોનહાર આલીમે દીન તરીકે ‘‘આલીમ’’ની પદવી મેળવી હતી. પોતાની દીની સેવાઓમાં શરૂઆત તેમણે દારૂલ ઉલૂમ અશરફિય્યહ રાંદેર, સુરત (ગુજરાત)થી કરી અને દારૂલ ઉલૂમ દેવબંદમાં પૂર્ણ કરી, અંતે આ ફાની દુનિયાથી વિદાય થયા. દીની ઈલ્મના તમામ વિભાગોમાં તેઓ નિષ્ણાંત હતા. સને ર૦૦૮થી આપ દારૂલ ઉલૂમ દેવબંદમાં શૈખુલ હદીષ તરીકે પોતાની ખિદમત (સેવા) આપી રહ્યા હતા. એમ જામિઅહ ઉલૂમૂલ કુર્આન જંબુસરના મુહતમીમ મુફતી અહમદ દેવલાએ જણાવી તેમને ખિરાજે અકીદત પેશ કરી છે.
જામિઅહ અક્કલકૂવા પરિવારે આ સમાચાર સાંભળતાં વેંત ભારે ખેદની લાગણી અનુભવી છે અને શોકગ્રસ્ત બની ગયો છે. જામિઅહ પરિવારને પોતાનો એક ખૈરખ્વાહ ગુમાવ્યાનો અદમ્ય અહેસાસ થયો છે.
મર્હૂમ મુફતીના હૈયે મૌલાના ગુલામ મુહમ્મદ વસ્તાનવી પ્રત્યે ગાઢ સંબંધ, હેતપ્રેમ, સ્નેહ અને લાગણી વસેલા હતા. તેમના જણાવ્યા મુજબ સંકટ સમયે હંમેશા મુફતી સાહેબથી સલાહ-મશ્વરા લેતો હતો. આપનો સાથ-સહકાર સદા મારા પડખે રહેવા પામ્યો છે. આજે હું પોતાનો એક મહાન હમદર્દ, હિતચિંતક, ઉપકારક અને સહાયક ગુમાવ્યાનો અનુભવ કરી રહ્યો છું અને આપની સાથે વીતેલી સોનેરી પળોને યાદ કરી ભારે ચિંતાગ્રસ્ત છું. અલ્લાહત્આલાએ મર્હૂમને અનેક ખૂબીઓ, વિશેષતાઓ અને સદગુણોથી નવાજ્યા હતા. સાદગી, નમ્રતા, ઈખ્લાસ, નિર્ણયમાં દૃઢતા, દીનમાં અડગતા, ધર્મપરાયણતા, મધ્યમ માર્ગ, શુદ્ધ પ્રકૃતિ, હક પરસ્તી, કામમાં સ્ફૂર્તિ, સમયપાલન, અથાગ પુરૂષાર્થ અને માનવીય ગુણોથી સંપન્ન હતા.
આવું મહાન, ઉચ્ચ અને વિરલ વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે રહ્યું નથી એનો ભારે રંજ-ગમ છે. અલ્લાહત્આલા મર્હૂમની મગફિરત ફરમાવે. આપ્તજનોને સબ્રે જમિલ અતા ફરમાવે અને આપણને મર્હૂમનો નિઅમલ બદલ અતા ફરમાવે તેવી તેમણે દુઆ કરી છે. મુફતી સઈદ અહેમદ પાલનપુરી સાહેબને ૬૪માં ગણતંત્ર દિવસ નિમિત્તે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા રાષ્ટ્રપતિ પુરસ્કાર અને પ્રેસિડેન્ટ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના મહત્ત્વપૂર્ણ લેખન કાર્યમાં મુબાદિયત એ ફિકહ, આપ ફતવા કૈસે દે ? હુરમત એ મુસહિરત, દાઢી અને અમ્બિયા (અ.સ.)ની સુન્નતો, તેહશિયા ઈમદાદ અલ તફવા, તહશીલ આદિલા એ કામિલા, તકસીર હિદાયતુલ કુર્આન સામેલ છે.