(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૯
આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકાના દાવોલ ગામની સીમમાં આવેલા ઈંટોના ભઠ્ઠા પરથી માનવકંકાલના અવશેષો મળી આવ્યાની ઘટના બાદ આ કંકાલ છેલ્લા છ માસથી ગુમ થયેલા ખેતર માલિકના હોવાની ચર્ચાઓ બાદ બોરસદ ટાઉન પોલીસ દ્વારા આજે લાપત્તા ખેતર માલિકના પુત્રના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલો લઈ ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા.તેમજ પોલીસે ખોપડી અને અન્ય અવશેષો ઉમેટા પાસે મહી નદીમાંથી કબ્જે કરી કરમસદની ફોરેન્સીક લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર દાવોલ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાંથી માનવકંકાલના અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ કંકાલના અવશેષો કાંતિભાઈ ગોહિલના છે કે કેમ તેની તપાસ માટે ડીએનએ ટેસ્ટ કરાવવાનો છે, જેથી આજે કાંતિભાઈ ગોહિલના પુત્ર અશ્વિનભાઈ ઉર્ફે બોચીયોના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલો લઈ હાડકાના ડીએનએ સાથે મેચ કરવા માટે ગાંધીનગરની ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને આ ડીએનએ મેચ થયા બાદ જ ખરેખર આ હાડકા કાંતિભાઈના જ છે કે કેમ તે નક્કી કરી શકાશે.જ્યાં પરિક્ષણનો રીપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે કે મળેલા કંકાલનાં અવશેષો કોનાં છે, જો કે હાલમાં કંકાલ મળવાની ઘટનાને લઈને સંમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.