દાહોદ, તા.૧૭
અત્યારના સમયમાં સામન્ય માણસ ઘણી સુખ સુવિધાઓ સાથે જીવન જીવે છે. પરંતુ વીજળી, પાણી જેવી આ સુવિધાઓ સતત મળતી રહે તે માટે સરકારી તંત્રના કર્મચારીઓ રાત દિવસ, કોઇપણ સંજોગોમાં જીવના જોખમે પણ કામગીરી કરતા હોય છે. ત્યારે દાહોદ તાલુકામાં વર્ષા ઋતુનું વાવાઝોડા સાથે આગમન થતા ધરાશાયી થયેલા ૨૫ મીટરની ઊંચાઇના બે વીજ ટાવરોને વીજકર્મીઓએ ભારે જહેમત અને પ્રતિકુળ સંજોગો વચ્ચે ફરીથી યથાવત કર્યા હતા. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના સંકલનમાં રહીને જે તે વિસ્તારમાં વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરી આ બંને વીજ ટાવરોના સમારકામનું કાર્ય વીજ કર્મચારીઓએ જાનની પરવા કર્યા વિના સફળતાપૂર્વક કર્યુ હતું. આ વાવાઝોડા સાથેના વરસાદને કારણે દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશનના ૬૬ કેવીના ૨૫ મીટર ઉંચાઇના બે સર્કિટવાળા બે ટાવર ધરાશાયી થયા હતા. જેના કારણે દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, લીમડી, ઝાલોદ, ફતેપુરાની પેટાવિભાગીય કચેરીઓના અને તેની આજુબાજુના વિસ્તારોમાં વીજ પ્રવાહમાં વિક્ષેપ પડ્યો હતો. અને વીજપ્રવાહ સંપૂર્ણપણે બંધ થઇ ગયો હતો.
જેને લીધે ૨૮૫ ગામડાઓમાં અંધારપટ છવાયો હતો. આ પ્રભાવીત ફીડરોને વીજ પુરવઠો હંગામી ધોરણે પૂરો પાડવા માટે મધ્યગુજરાત વીજ કંપીની લી. અને ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત ફીલ્ડ ઉપર રહી દાહોદ જિલ્લાના વીજ પુરવઠો ચાલુ કર્યો હતો. ઉપરાંત દાહોદ જિલ્લાની મુખ્ય જિલ્લા કચેરીઓ અને શહરી વિસ્તારોમાં વીજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. વીજ કર્મચારીઓએ ભારે જહેમત લઇ આ બંને વીજ ટાવરોને યથાવત કર્યા હતા.