(સંવાદદાતા દ્વારા)
દાહોદ, તા.૧ર
દાહોદ શહેરમાં મધરાત્રે ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા અસંખ્ય વૃક્ષો ધરાશાયી થતાં કેટલાક વાહનોને નુકસાન થવા પામ્યું હતું. સાથે સાથે શહેરના યાદગાર ચોક નજીક એક દીવાલ ધરાશાયી થઇ જવા પામી હતી. જ્યારે મધરાત્રે તોફાની પવન સાથે ત્રાટકેલા વરસાદના કારણે દાહોદ તાલુકાના મુવાલિયા ખાતે આવેલા જેટકો વીજ સબસ્ટેશન પાસે આવેલા વીજળીના ૬૬ કેવીના બે ટાવરો ભોંયભેગા થઇ જતા ચાર સબસ્ટેશનોમાં વીજળી ડુલ થઇ જવાથી શહેરના કેટલાક વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો. જ્યારે મધરાત્રે પડેલા ભારે વરસાદના કારણે અસહ્ય ગરમી તેમજ બફારા વચ્ચે શહેરીજનોની હાલત કફોડી બનવા પામી હતી. જિલ્લામાં ૯ તાલુકા પૈકી ચારેક તાલુકાને બાદ કરતા તમામ જગ્યાએ સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો. જ્યારે વાવાઝોડાના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા ટાવરોના સમારકામ માટે સવારથી જ મધ્ય ગુજરાત વીજ કંપની તેમજ જેટકોના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે જોતરાઈ ગયા હતા.