દાહોદ, તા.૧૯
દાહોદ શહેરમાં છેલ્લા બે – ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે ફરી બપોર બાદ મેઘરાજા મનમુકીને વરસતા ૨ કલાકમાં આશરે ૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી છવાઈ ગયા હતા. રસ્તાઓ,નદી,તળાવોમાં પાણીનો જળસંગ્રહ જાવા મળ્યો હતો ત્યારે નીચાળવાળા વિસ્તારોમાં મહદઅંશે પાણી ફરી વળ્યા હતા. દાહોદ જિલ્લામાં આજે કુલ ૮૨ મીમી વરસાદ નોંધાવા પામ્યો હતો. બપોરના ૧૨ થી ૨ના સમયગાળા દરમ્યાન વિજળીના કડાકા અને ધડાકા સાથે ધનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પુનઃ દાહોદ શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરતા બે કલાકમાં આશરે ૩ ઈંચ વરસાદ ખાબકી પડ્યો હતો. ધમધોકાર વરસાદના પગલે રસ્તાઓ વરસાદી પાણીથી છવાઈ ગયા હતા. આર.ટી.ઓ.ઓફિસ, બસ સ્ટેશન વિસ્તાર જેવા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તે ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બપોર ૨ વાગ્યા બાદ ઝરમરઝર વરસાદ ચાલુ રહ્યો હતો. દાહોદ જિલ્લાની વાત કરીએ તો બપોરના ૧૨ થી ૨ના સમયગાળા દરમ્યાન દાહોદ જિલ્લામાં કુલ ૮૨ મીમી વરસાદ પડી ગયો હતો. આમ, મેઘરાજાએ પુનઃ દાહોદમાં આગમન કર્યું હતુ.