દાહોદ, તા.૧૮
દાહોદમાં આજે વધુ ૪ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સળંગ ત્રણ દિવસમાં ૮ દર્દીઓનો સમાવેશ થતા હવે કોરોના પોઝિટિવ નો આંકડો ૧૦ પર પહોંચ્યો છે. કુલ કેસોની વાત કરીએ તો આંકડો ૨૬ પર પહોંચી જવા પામ્યો છે. આજના ૪ દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાંથી ત્રણ વ્યક્તિઓ શહેરની જુની કોર્ટ તરફ આવેલ બિલ્ડીંગના રહેવા હોવાનું જ્યારે એક ઝાલોદ તાલુકાના સીમલીયા ગામની મહિલા હોવાનું જાણવા મળ્યું છે.
લોકડાઉનના આજે ચોથા તબક્કાના પ્રથમ દિવસે જ એક સાથે ૪ કોરોના દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્ર સમેત વહીવટી તંત્રમાં દોડધામોના દૃશ્યો સર્જાયા છે. આજે ૧૬૭ નમુનાઓના પરિણામ આવ્યા હતા જેમાંથી ૧૬૩ રિપોર્ટો નેગેટીવ આવ્યા હતા જ્યારે ૪ રિપોર્ટો પોઝીટીવ આવ્યા છે. આ પૈકી ત્રણ મધુબેન ભુલાભાઈ પરમાર (ઉ.વ.૬૦), ભીખીબેન રમણભઆઈ પરમાર અને સુશીલાબેન મફતલાલ પરમાર (ઉ.વ.૫૬) ત્રણેય રહેવાસી જુની કોર્ટ પાછળની ભાગે બિલ્ડીંગના રહેવાસી છે. આ ત્રણેય જણા અમદાવાદથી પરત આવ્યા હતા અને ૧૫મી મેના રોજ તેઓના નમુના લેવામાં આવ્યા હતા. આ ત્રણેય હાલ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ હોવાનું પણ સત્તાવાર મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે જ્યારે ચોથો દર્દી ઝાલોદ તાલુકાના સીમલિયા ગામની ૪૫ વર્ષીય મહિલા લલિતાબેન કિશોરીનો સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે આ મહિલા ૧૪મીએ મુંબઈથી દાહોદ પરત ફર્યા હતા અને આજરોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને ઝાલોદની સરકારી ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. આજના આ ૪ કોરોના પોઝીટીવ દર્દીઓના સમ્પર્કમાં આવેલ બીજા વ્યક્તિઓની પણ આરોગ્ય તંત્ર દ્વારા શોધખોળ સહિત તપાસનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે.