(સંવાદદાતા દ્વારા)
દાહોદ, તા.રર
દાહોદ, વૈશ્વિક કોરોના મહામારીના અનલોક વન દરમિયાન શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યને થતાં નુકસાનથી બચાવવા માટે સરકાર દ્વારા ઓનલાઇન ડિજિટલ એજ્યુકેશનનો આરંભ કરવામાં આવ્યો છે પરંતુ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં ગ્રામીણજનોની ખરાબ ઈકોનોમી સ્થિતિ, રોજિંદા વિજધાંધીયા અને મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યા સરકારના હોમ લર્નિંગ વિચાર પર પાણી ફેરવી રહી છે આ કારણોસર દાહોદ જિલ્લામાં ઓનલાઇન શિક્ષણમાં ફક્ત ૪૫ % બાળકો નોંધાયા છે જ્યારે ૫૫% બાળકો માટે આ શિક્ષણ દિવાસ્વપ્ન રૂપ છે.
જિલ્લામાં વસવાટ કરતા લોકોની ખરાબ ઈકોનોમી, સિંચાઇના અભાવે સૂકી ખેતી પર જીવનનિર્વાહ કરવાની ફરજ તેમજ જિલ્લામાં રોજગારીના સાધનોનો અભાવ છે જેથી તેઓ રોજગારી માટે વર્ષના આઠ મહિના અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરતા હોય છે. દાહોદ જિલ્લામાં આવેલી સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ૩,૬૨,૦૦૦ ઉપરાંત બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધી ઓનલાઇન શિક્ષણમાં ફક્ત ૧,૫૨,૦૦૦ વિદ્યાર્થીઓની નોંધણી થવા પામી છે. આમ દાહોદ જિલ્લામાં અડધોઅડધ ઉપરાંત ૫૫% બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહેલા જોવા મળી રહ્યા છે.
ગ્રામ્ય પંથકમાં ગણતરીના લોકો પાસે જ એન્ડ્રોઇડ ફોનની સુવિધા ઉપલબ્ધ છે તો તેમની પાસે મોબાઇલમાં ડેટા ખરીદવા માટે નાણાકીય તંગી પણ જોવા મળી રહી છે તો કેટલાક લોકો પાસે ફક્ત ટેલીફોન કરવા માટેનો મોબાઈલનો ઉપયોગ કરી શકે છે. જેઓ મોબાઈલ ડેટાનો વપરાશ કરી શકતા નથી. આમ જિલ્લામાં આશરે ૭૦થી ૮૦ ટકા લોકો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ સુવિધાનો અભાવ હોવાનું દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સરતનભાઈ કટારા જણાવ્યું છે.
જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઘણા લોકોના ઘરે હજુ વીજળીની સુવિધા પણ ઉપલબ્ધ નથી. જેના કારણે લોકોને મોબાઈલ બેટરી ચાર્જિંગ કરવા માટે શહેરી વિસ્તારમાં આવવું પડતું હોય છે. વીજ લાઈન બંધ રહેવાના કારણે લોકોના ઘરે રહેલા ટેલિવિઝનનો અને મોબાઇલ ફોન પણ નકામા બની રહ્યા છે અને જિલ્લામાં મોબાઇલ ટાવર કનેક્ટિવિટીના પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જેના કારણે દાહોદ જિલ્લામાં ઓનલાઇન શિક્ષણ એટલે કે હોમ લર્નિંગ એજ્યુકેશન પણ હવે નેટ કનેક્ટ અને વીજ ધાંધિયાના લીધે સમસ્યારૂપ બની ગયેલું જોવા મળી રહ્યું છે. ઉપરોક્ત સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં ઓનલાઇન શિક્ષણ યોગ્ય રીતે અપાઈ શકે છે.