દાહોદ,તા.૨૭
દાહોદ જિલ્લા વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક બે વર્ષીય બાળકી તથા એક ૩૨ વર્ષીય યુવકનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બનવા પામ્યો હતો જેમાં એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતા જતાં પંચમહાલ જિલ્લાના ઓરવાડા ગામે ભરવાડીયા ફળિયામાં રહેતા સુરેશભાઈ દિનેશભાઈ વણઝારાને અડફેટમાં લેતા સુરેશભાઈને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. આ સંબંધે પંચમહાલ જિલ્લા ઓરવાડા ગામે ભરવાડીયા ફળિયામાં રહેતા રાજેશભાઈ નરવતભાઈ વણઝારાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજા બનાવ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે બનવા પામ્યો હતો જેમાં એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અમરચંદ ચિરંજીવી લાલ અગ્રવાલ (રહે.ઘુઘસ રોડ, ફતેપુરા) ની ૨ વર્ષીય પૌત્રી સુહાનાને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારતાં બાળકી સુહાનાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનુ મોત નીપજ્યું હતુ. આ સંબંધે અમરચંદ ચિરંજીવી લાલ અગ્રવાલે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.