દિલિપ સાહેબના બંને નાના ભાઇ ૯૦ વર્ષના એહસાન ખાન અને ૮૮ વર્ષના અસલમ ખાન તાજેતરમાં ટૂંકાગાળામાં જ નિધન પામ્યા

(એજન્સી) મુંબઇ, તા. ૪
તાજેતરમાં કોરોના વાયરસને કારણે પોતાના બંને ભાઇઓને ગુમાવનારા બોલિુવૂડના દિગ્ગજ અભિનેતા દિલિપ કુમાર પોતાના ભાઇઓના મૃત્યુ વિશે જાણતા ન હોવાનું તેમના પત્ની સાયરા બાનુંએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે. દિલિપ કુમારના ભાઇઓ ૯૦ વર્ષના એહસાન ખાન અને ૮૮ વર્ષના અલસમ ખાન કોરોના સંક્રમિત થયા હતા અને સારવાર માટે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. સાયરા બાનુંએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દિલિપ સાહેબને તેમના ભાઇઓ એહસાન ભાઇ અને અસલમ ભાઇના મૃત્યુ વિશે જાણકારી અપાઇ નથી. અમે તેમને દુઃખ પહોંચાડનારા દરેક સમાચારથી દૂર રાખીએ છીએ. અમે તો તેમને અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થયા હોવા અને તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના સમાચાર પણ આપ્યા નથી. તેઓ અમિતાભથી ઘણા નજીક છે. સાયરા બાનુંએ કહ્યું કે, દિલિપ સાહેબના ભત્રીજાઓ ઇમરાન અને ઐયુબે એહસાન ખાનની દફનવિધિ કરી હતી. ૯૭ વર્ષના અભિનેતાના સ્વાસ્થ્ય વિશે જણાવતા તેમણે કહ્યું કે, તેઓને એકદમ અલગ જ રખાય છે અને તે અમારી પ્રાથમિકતા છે જ્યારે ડીહાઇડ્રેશનને તેમના બ્લડ પ્રેશરમાં કેટલોક ફેરફાર થયો છે અને હાલ તેઓ આ માટે સારવાર લઇ રહ્યા છે.