નવી દિલ્હી, તા.૭
બોલિવૂડના ૯૮ વર્ષીય ખ્યાતનામ અભિનેતા દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સવારે ૭.૩૦ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. ભારતના સ્ટાર ખેલાડીએ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સચિન, સહેવાગ અને કોહલી સહિત ઘણા ક્રિકેટરોએ ટ્‌વીટ કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ યૂસુફ ખાન સાહેબ તરીકે સંબોધીને શ્રદ્ધાંજલી પાઠવતું ટ્‌વીટ કર્યું છે.
ક્રિકેટ જગતના ગોડ સચિન તેંડુલકરે ટ્‌વીટ કરતા કહ્યું હતું કે ભગવાન દિલીપ કુમારની આત્માને શાંતિ આપે. તમારું સ્થાન ફિલ્મ જગતમાં કોઇ લઇ શકશે નહીં. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમારું યોગદાન અદ્વિતીય છે અને તમે હમેશા અમારી યાદોમાં અમર રહેશો. સાયરા બાનુ જી અને પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ. ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ લખ્યું હતું કે આજે એક એવા દિગ્ગજ અભિનેતાનું અવસાન થયું છે, જેણે પેઢીઓથી પ્રેમ કરવામાં આવી રહ્યો છે. આરઆઈપી દિલીપ જી. પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ ટ્‌વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી. યૂસુફ ખાન સાહેબના પ્રશંસકો માટે આ બેડ ન્યૂઝ હશે. તે અમારા દિલોમાં રહેશે. સાયરા બાનો સાહિબાને મારી સંવેદના. ઈન્ડિયન ટીમના દિગ્ગજ બેટ્‌સમેન વીરેન્દ્ર સહેવાગે બોલિવૂડના અભિનેતા દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સહેવાગે તેમની લોકપ્રિય ફિલ્મ મુગલ-એ-આઝમના એક ડાયલોગનો ઉપયોગ કરીને મેસેજ શેર કર્યો હતો. વીરેન્દ્ર સહેવાગે લખ્યું, દિલીપ કુમારના પરિવાર પ્રતિ મારી સંવેદના. એક મહાન વ્યક્તિએ કહ્યું હતું, નસીબ બદલાઈ જાય છે, યુગો પણ બદલાય છે, દેશની કાયાપલટ થઈ જાય છે, રાજાઓ પણ બદલાય છે પરંતુ આ ફેરફાર થતી દુનિયામાં મોહબ્બત જેના પડખે ઊભી રહે છે, તે માણસ બદલાતો નથી. પૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલ, હરભજન સિંહ અને ઇરફાન પઠાણે પણ દિલીપ કુમારના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. શ્રીલંકા ટૂર પર ગયેલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને ટ્‌વીટ કર્યું હતું, દિલીપ સાહેબના નિધનથી મને ઘણું દુઃખ થયું છે. કુમાર સાહેબનો ભારતીય સિનેમા પર મોટો પ્રભાવ છે. આગામી પેઢિઓ માટે તે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ અને હરભજન સિંહે પણ દિલીપ કુમારને યૂસુફ ખાન સાહેબ કરીને સંબોધ્યા હતા. તેમણે દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમની અમર યાદો હંમેશા જીવંત રહેશે તેની જાણ કરી હતી.
સ્પોટ્‌ર્સ મિનિસ્ટર રિજિજૂએ પણ શોક વ્યક્ત કર્યો હતો. રિજિજૂએ ટ્‌વીટ કર્યું, અમે તેમની શાનદાર ફિલ્મો જોઇને મોટા થયા છીએ. મહાન એક્ટર દિલીપ કુમારના નિધને અમને બધાને દુઃખી કરી દીધા છે. તેમના જવાથી બોલિવૂડમાં હંમેશ માટે એક ગાબડું પડી ગયું છે. તેમના પરિવાર, મિત્રો અને દુનિયાભરમાં પ્રશંસકો પ્રતિ મારી સંવેદનાઓ છે.
બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલે ટ્‌વીટ કર્યું હતું કે હિંદી સિનેમાના લિજેન્ડ… ભગવાન તેમની આત્માને શાંતિ આપે, રીપ સર.