(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ એવી ચોંકાવનારી કબૂલાત કરી છે કે ગુપ્તચર બ્યૂરો (આઇબી) પાસેથી મળેલા રિપોટ્‌ર્સને આધારે જજીસની ટ્રાન્સફર કરવામાં આવે છે. સંસદમાં બોલતા મીનાક્ષી લેખીએ એવું પણ સૂચવ્યું કે કેટલાક જજીસ અંગેના ગુપ્તચર બ્યૂરોના રિપોટ્‌ર્સ જાહેર કરવા જોઇએ. લોકસભામાં વિપક્ષના ઘણા સભ્યો દ્વારા દિલ્હીના રમખાણોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ મુદ્દા અંગે ચર્ચા દરમિયાન દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ એસ મુરલીધરની ‘ઓચિંતા’ કરવામાં આવેલી ટ્રાન્સફર અંગે પણ ચર્ચા થઇ હતી. ભાજપના સાંસદોએ જજીસ અને કોર્ટો સામે પણ આંગળી ચિંધી હતી. દિલ્હીનાં સાંસદ મીનાક્ષી લેખીએ ‘અહિંસક વિરોધની મંજૂરી આપવા’ના સ્વવિવેક સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા. ચર્ચામાં ભાગ લેતા લેખીએ કહ્યું કે ‘કેટલાક જજીસ (હું તેમના નામ લઇશ નહીં)ને લાગે છે કે વિરોધ હિંસક ન બની જાય ત્યાં સુધી પોલીસે કાર્યવાહી કરવી જોઇએ નહીં.’ તેમણે એવું પણ કહ્યું કે આવી પરિસ્થિતિમાં એવું અનુમાન લગાવવાનું મુશ્કેલ છે કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ક્યારે હિંસક બની જશે ? કોણ નક્કી કરશે કે વિરોધ ક્યારે હિંસક બનશે ? લેખીએ ડિસેમ્બરથી દિલ્હીમાં ચાલી રહેલા નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામેના વિરોધ પ્રદર્શન પર રમખાણોનો આરોપ મૂક્યો. મીનાક્ષી લેખીએ એવો પણ આરોપ મૂક્યો કે રમખાણો દરમિયાન લઘુમતીઓને કારણે બહુમતીને અસર થઇ છે. બિહારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સંજય જાયસ્વાલે પણ દિલ્હીના રમખાણો માટે અદાલતોને જવાબદાર ઠરાવીને કહ્યું કે કોર્ટને કારણે જ લાંબા સમય સુધી તણાવ રહ્યો. દિલ્હીના રમખાણો માટે વિરોધ પક્ષો અને લઘુમતી સમુદાયના કેટલાક તત્વોને દોષિત ઠરાવતા જાયસ્વાલે જણાવ્યું કે દિલ્હીના રમખાણોનો અન્ય એક અપરાધી છે. હું આજે દેશની ન્યાયિક વ્યવસ્થાને કઠેડામાં ઉભી કરવા માગું છું. જાયસ્વાલે શાહીન બાગમાં રોડ જામ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી છે.