(એજન્સી) તા.ર૭
સ્થળાંતરિત મજૂરોની વ્યથા અને મુશ્કેલીઓ અંગે દેશભરમાંથી આવી રહેલા અહેવાલો વચ્ચે દિલ્હીના તિગિપુર ગામથી આવેલા એક સારા સમાચારે હજી આશા જીવંત રાખી છે. અહીં પાપ્પન સિંઘે તેમના ૧૦ મજૂરોને તેમના વતન બિહાર પરત મોકલવા એર ટિકિટ માટે રૂા.૭૦,૦૦૦ ખર્ચ્યા હતા. આ ઉપરાંત તે છેલ્લા બે મહિનાથી આ મજૂરોને આશ્રય આપી જમાડી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી પાપ્પન સિંઘ માટે કામ કરીરહેલા લખવિન્દર રામે કહ્યુંં હતું કે, મેં મારા જીવનમાં ક્યારેય આ કલ્પના પણ કરી ન હતી કે, હું વિમાનમાં મુસાફરી કરીશ. મારી ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી પરંતુ હું એ વિચારથી ચિંતિત છું કે, આવતીકાલે એરપોર્ટ પર પહોંચ્યા મારે શું કરવું પડશે. આ મજૂરોએ શરૂઆતમાં રેલવે દ્વારા ચલાવવામાં આવતી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માટે નોંધણી કરાવી હતી. પરંતુ ઉત્તર ભારતમાં પ્રવર્તમાન હિટવેવના કારણે પાપ્પન સિંઘે તેમના કર્મચારીઓને હવાઈ માર્ગે ઘરે મોકલવાનો નિર્ણય લીધો હતો. પાપ્પન સિંઘના ભાઈ સુનિત સિંઘે જણાવ્યું હતું કે, આ ૧૦ મજૂરોને પટણા એરપોર્ટ પરથી સાહરસા જિલ્લામાં આવેલા તેમના ગામ પહોંચાડવા માટે એક બસ પણ બૂક કરાવવામાં આવી છે.