(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
દિલ્હીમાં સોમવારે ભડકેલી હિંસા હજીપણ રોકાવાનું નામ લઇ રહી નથી. ગૃહ મંત્રાલય તરફથી મંગળવારે સાંજે તોફાનીઓને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ જારી કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં આગ ચંપનીની ઘટના સર્જાઇ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. દરમિયાન, દિલ્હી પોલીસને ચાંદબાગ વિસ્તારના એક નાળામાંથી ૨૬ વર્ષીય એક વ્યક્તિનું શબ મળ્યું છે. આ વ્યક્તિને અંકિત શર્મા તરીકે ઓળખી પાડવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે એ વ્યક્તિ ગુપ્તચર બ્યૂરો સાથે સુરક્ષા સહાયક તરીકે કામ કરી રહી હતી. દિલ્હીમાં ફેલાયેલી હિંસા દરમિયાન મંગળવારે સાંજથી જ અંકિત શર્માના લાપતા થવાની પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન, દિલ્હી પોલીસે ઉત્તરપૂર્વ દિલ્હીની હિંસામાં ઘવાયેલાઓ વિશે માહિતી મેળવવા ઇચ્છતા લોકો માટે કેટલાક પોલીસ કર્મચારીઓના કોન્ટેક્ટ નંબર શેર કર્યા છે. હિંસામાં ઘવાયેલા લોકોને દિલ્હીની વિભિન્ન હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે.