(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
બળવો કરવાના ત્રણ દિવસ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા અને સત્તાવાર રીતે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપીને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. દિલ્હી વિધાનસભામાં ચાંદની ચોકના પ્રતિનિધિ લાંબાએ આપમાંથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી અને શુક્રવારે સતત ટિ્‌વટ કર્યા બાદ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. લાંબાએ જણાવ્યું કે, આપને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી રહી છું. છેલ્લા છ વર્ષનો અનુભવ માટે ઘણું શીખવાનો હતો. તમામનો આભાર. તેમણે અરવિંદ કેજરીવાલ પર પોતાની વાત ન સાંભળવાનો આરોપ લગાવીને જણાવ્યું હતું કે, મારે કોંગ્રેસથી અંતર હોઇ શકે છે પરંતુ છેલ્લા ૨૫ વર્ષથી તેની વિચારધારા સાથે ઊભી છું. આજે મારી ઘરવાપસી થઇ છે. હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે, એક સમર્પિત કાર્યકર તરીકે દિલ્હી અને દેશમાં પાર્ટીનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરીશ.