(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
દિલ્હી સરકારને બાળકોના શિક્ષણમાં સુધારા અંગેના સલાહકાર આતિશી માર્લેનાને હટાવવા બદલ દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ નરેન્દ્ર મોદીને એક જાહેર પત્ર લખ્યો છે. મંગળવારે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા નવ લોકોને હટાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં એક નામ આતિશી માર્લેનાનું પણ હતું. તેણીની દિલ્હી સરકારના મંત્રીઓના સલાહકાર તરીકે કાર્ય કરતી હતી. મનિષ સિસોદિયાએ વડાપ્રધાન મોદીને લખેલા ત્રણ પાનાના પત્રમાં લખ્યું છે કે, ‘આતિશી માર્લેનાને હટાવીને તમે શું સાબિત કરવા માંગો છો. અમારી અને તમારી વચ્ચે રાજકીય મતમતાંતર હોઈ શકે છે. પરંતુ આના કારણે દિલ્હીના બાળકોએ સહન કરવું પડે એવું પગલું ન ભરો.’ દિલ્હી સરકારની સફળતાઓ ગણાવતા સિસોદિયાએ લખ્યું છે કે, ‘અમે દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં સતત કામ કરી રહ્યા છીએ. અમે આ માટે ૨૫% બજેટ ફાળવ્યું છે. આ તમામ આતિશીના પ્રયાસોને કારણે શક્ય બન્યું હતું.’ સિસોદિયાએ પત્રમાં આગળ લખ્યું છે કે, ‘રાજકીય કિન્નાખોરી રાખીને બાળકો માટે સારૂં કાર્ય કરનાર વ્યક્તિને હટાવી દેવામાં આવે છે. આ કેવા પ્રકારની દેશભક્તિ છે ? દિલ્હીના બાળકોના શિક્ષણ માટે કામ કરી રહેલી એક દેશભક્ત, શિક્ષિત અને ખૂબ જ હોશિયાર મહિલાને પોતાના પદ પરથી હટાવીને તમે (મોદી) શું સંદેશ આપવા માંગો છે ?’ સિસોદિયાએ આગળ લખ્યું છે કે, ‘આપણા દેશમાં, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ કે પછી શિક્ષણ સંચાલક પાસે શિક્ષણના નિષ્ણાતો નથી. મારા મતે આપણા દેશમાં શિક્ષણનું સ્તર નીચું હોવા પાછળનું એક કારણ આ પણ છે. આ જ કારણે દિલ્હી સરકારે માર્લેનાને શિક્ષણ સલાહકાર બનાવી હતી. તેની નિમણૂકથી સારૂં પરિણામ પણ પ્રાપ્ત થયું છે. એટલે સુધી કે, અમારા વિરોધીઓ પણ માની રહ્યા છે કે, દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે સારૂં કામ થઈ રહ્યું છે. તમારા પ્રતિસ્પર્ધી કે વિરોધીને આવી રીતે ખતમ કરીને તમે ક્યારેય મોટા નહીં બની શકો. તમે અમને કંઈ આપી નથી શકતા તો જે ચાલી રહ્યું છે તેને બંધ તો ન જ કરો.’ સાથે જ સિસોદિયાએ પીએમ મોદીને દિલ્હીની સ્કૂલોની મુલાકાત લેવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું.