(એજન્સી) તા.૧૪
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકાર કેન્દ્રને રાષ્ટ્રીય રાજધાનીમાં લોકડાઉનની વ્યૂહરચના અંગે એક પ્રસ્તાવ મોકલશે જે દિલ્હીના લોકોએ આપેલા પ લાખથી વધુ સૂચનો પર આધારિત છે. આ સૂચનોમાં દિલ્હી મેટ્રો ચાલુ કરવાના અને શાળા-કોલેજો બંધ રાખવા જેવા સૂચનો સામેલ છે. ગુરૂવારે મીડિયાને સંબોધિત કરતાં મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે, “આજે બપોરે ૪ વાગે લેફટનન્ટ ગવર્નર અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકમાં તમારા બધા દ્વારા આપવામાં આવેલા સૂચનો પર ચર્ચા થશે. દિલ્હીમાં કેટલી હદે છૂટછાટ આપી શકાય તે અંગેના નિયમો કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.” અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હી સરકારે લોકડાઉન અંગે લોકોના અભિપ્રાયો માંગ્યા હતા અને તેમને પાંચ લાખથી વધુ સૂચનો મળ્યાં હતાં. મોટાભાગના લોકોએ સૂચન કર્યું હતું કે, ઉનાળુ વેકેશન સુધી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, “મોટાભાગના લોકોનું કહેવું છે કે, હોટલો બંધ રહેવી જોઈએ પરંતુ ટેક-અવે અને હોમ-ડિલિવરી માટે રેસ્ટોરેન્ટોને ખોલી દેવી જોઈએ. આ બાબતમાં લગભગ સર્વસંમતિ છે કે સ્પા, સલૂન, સિનેમા હોલ અને સ્વીમિંગ પુલ ન ખોલવા જોઈએ.” ઘણા લોકોએ આ પણ સૂચન કર્યું હતું કે, બિનજરૂરી પ્રવૃત્તિઓને રોકવા માટે સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવો જોઈએ.