(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
આઈ.પી.એસ. અધિકારીઓ મુદ્દે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ઊભા થયેલ વિવાદ સંદર્ભે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મમતા બેનરજીનું સમર્થન કર્યું છે. એમણે કેન્દ્ર સરકારના પગલાને બંગાળના વહીવટમાં હસ્તક્ષેપ ગણાવી વખોડી કાઢ્યું છે.
ગયા અઠવાડિયે બંગાળની મુલાકાતે ગયેલ ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાફલા ઉપર હુમલો થયો હતો. જેમની સુરક્ષાની જવાબદારી આ ત્રણ પોલીસ અધિકારીની હતી. એમની બેદરકારીથી કેન્દ્ર સરકારે એમની બદલી કેન્દ્ર સરકારમાં કરી હતી. જે બદલીઓ મમતા સરકારને મંજૂર નથી. આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ઊભો થયું છે.
કેજરીવાલે પોતાના અધિકૃત ટ્‌વીટર હેન્ડલ ઉપર લખ્યું હતું કે, ‘‘હું કેન્દ્ર સરકારના આ પગલાઓને બંગાળના વહીવટમાં સીધો હસ્તક્ષેપ માની વખોડી કાઢું છું.’’ પોલીસ અધિકારીઓની ચૂંટણીના થોડા સમય પહેલા જ બદલી કરી કેન્દ્ર સરકારે રાજ્યના અધિકારો ઝુંટવી લીધા છે. કેન્દ્ર સરકારનું આ પગલું દેશના ફેડરલ માળખા ઉપર હુમલો છે જે રાજ્યને અસ્થિર કરવાનો પ્રયાસ છે. નડ્ડા ઉપર કરાયેલ હુમલા પછી કેન્દ્ર સરકારે ત્રણ અધિકારીઓને કેન્દ્ર સરકારની નોકરીમાં જોડવા નિર્દેશો આપ્યા હતા. જો કે મમતા બેનરજીએ આ અધિકારીઓને મુક્ત કરવા ઇન્કાર કર્યો છે, જેના લીધે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે નવો વિવાદ ઊભો થયો છે. મળતા સમાચારો મુજબ આ મુદ્દે મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવા જઈ રહી છે.