(એજન્સી) તા.૧પ
દિલ્હી પોલીસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરીને કહ્યું હતું કે ભાજપના નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માએ દિલ્હીના રમખાણોમાં કોઇ ભાગ લીધો હોય કે રમખાણો કરવા કોઇ ઉશ્કેરણી કરી હોય એવો સંકેત કરતો કોઇ પુરાવો મળી આવ્યો નથી એમ કોર્ટ અને કાયદા અંગે સમાચારો પૂરા પાડતી વેબસાઇટ લાઇવલૉ ડોટ કોમ ઉપર પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં કહ્યું હતું.
દિલ્હીના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ રાજેશ દેવ દ્વારા રજૂ કરાયેલા આ સોગંધનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે રમખાણોની ઉશ્કેરણી કરતા કોઇ ભાષણ આપ્યું હોવાનો જો કોઇ પુરાવ મળી આવશે તો આ નેતાઓ વિરૂદ્ધ એફઆઇઆર નોંધવામાં આવશે.
ગત ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં પૂર્વ દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં ફાટી નીકળેલા રમખાણોમાં સક્રિય ભૂમિકા ભજવનારા જવાબદાર લોકો સામે એફઆઇઆર નોંધવા પોલીસને આદેશ આપવાની દાદ માંગતી એક અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરાઇ હતી જેની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ ડીએન પટેલ અને ન્યાયમૂર્તિ પ્રતિક જાલાનની વિભાગીય બેંચ કરી રહી હતી. આ બેંચે આ અરજીના સંબંધમાં દિલ્હી પોલીસનો જવાબ માંગ્યો હતો અને દિલ્હી પોલીસે એફિડેવિટ કરીને જવાબ આપ્યો હતો કે ભાજપના આ નેતાઓની દિલ્હીના રમખાણોમાં કોઇ સંડોવણી નહોતી, અને તેઓએ રમખાણો ફાટી નીકળે એવી કોઇ ઉશ્કેરણીજનક સ્પિચ કે ભાષણ પણ આપ્યા નહોતા.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કોર્ટને કહ્યું હતું કે આ રમખાણોમાં ભાગ લેવા બદલ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અંતર્ગત ૭૫૧ ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે ડેપ્યુટી કમિશ્નર કક્ષાના અધિકારીઓના નેતૃત્વવાળી ત્રણ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની પણ રચના કરવામાં આવી છે.
આ એફિડેવિટમાં પોલીસે વધુમાં એવો પણ દાવો કર્યો હતો કે આ કેસની પ્રથમદર્શી તપાસમાં જોવા મળ્યું હતું કે આ રમખાણો કોઇ સ્વયંભૂ રીતે નહોતા ફાટી નીકળ્યા પરંતુ એક સમાજમાં પ્રવર્તી રહેલી શાંતિને ડહોળી નાખવાના એક ષડયંત્રના ભાગરૂપે અને પૂર્વ નિયોજીત યોજના અંતર્ગત આ હિંસા ફેલાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છએ કે દિલ્હીના રમખાણો ફાટી નીકળ્યા તે પહેલાં ભાજપના કપિલ મિશ્રા, પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુરે મુસ્લિમો વિરૂદ્ધ ખુબ જ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા હતા જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયા હતા છતાં પોલીસ એમ કહે છે કે આવા કોઇ વીડિયોના પૂરાવા મળી આવશે તો તેઓ વિરૂદ્ધ એફઆઇઆર નોંધવામાં આવશે.