(એજન્સી)                             તા.ર

દિલ્હી રમખાણોના જખમો હજુ તાજા અને વકરી રહ્યાં છે. દિલ્હી રમખાણોમાં સ્વયં દિલ્હી પોલીસ જ શંકાના દાયરામાં છે અને હવે જેમની પાસે બંધારણીય  નિષ્પક્ષતાનો અપેક્ષા હોય એવા દિલ્હીના લેફ.ગવર્નરે ગેરવાજબી અને પૂર્વાગ્રહયુક્ત ઓર્ડર પાસ કરવા પોતાની ખાસ સત્તાઓનો ઉપયોગ કર્યો છે. દિલ્હી સરકારે વડી અદાલતમાં તેની કાયદેસરતાને પડકારવી જોઇએ. આ કેસમાં દિલ્હી સરકારની સલાહ સ્પષ્ટ અને વાજબી છે. એક કરતાં વધુ પ્રસંગોએ અદાલતોએ પોલીસ તપાસની સત્યતા સામે સવાલો ઉઠાવ્યાં છે. એક બાજુ દિલ્હી પોલીસે ટોળાને ઉશ્કેરનારા ભાજપના નેતાઓ સામે કેસ દાખલ કર્યા નથી અને બીજી બાજુ સીએએ વિરોદી દેખાવોનું નેતૃત્વ કરનાર વિદ્યાર્થીઓ અને કર્મશીલોની કાવતરાના આરોપસર ધરપકડ કરી છે. આથી તપાસને પ્રોસિક્યુશન તરફથી અલગ રાખવાની દિલ્હી સરકારની દલીલ માત્ર યથાર્થ જ નહીં, પરંતુ આવશ્યક પણ છે. જ્યારે હિંદુ અને મુસ્લિમ બંનેને સત્ય અને ન્યાયના બામની જરૂર છે ત્યારે લેફ.ગવર્નરે દિલ્હી પોલીસની પસંદગીના વકીલોને મંજૂરી આપીને બંધારણીય ઔચિત્યની અવગણના કરી છે. ભારત પર અત્યારે હિંદુ રાષ્ટ્રવાદી સરકારનું શાસન છે. ૨૦૦૨માં ગુજરાતમાં જેઓ સત્તારૂઢ હતાં તેઓ હવે કેન્દ્રમાં સત્તારૂઢ છે. આમ પ્રોસિક્યુટર્સની નિમણૂંક કરતો લેફ.ગવર્નરના આદેશમાં અવિશ્વાસ અને અનૈતિકતાની ચાડી ખાય  છે. તાજેતરમાં દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ સુરેશકુમાર કાયતે રમખાણ કેસમાં દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ પિટિશન ફગાવી દેતાં જણાવ્યું હતું કે પોલીસ ન્યાયતંત્રનો દુરૂપયોગ કરી રહી છે. કમનસીબે લેફ.ગવર્નરનો આદેશ જાહેર વિશ્વાસ, સંગીન તર્ક અને નિષ્પક્ષતાની પ્રત્યેક કસોટીમાંથી નિષ્ફળ પુરવાર થઇ રહ્યો છે.