(એજન્સી) તા.ર
બાંગ્લાદેશી રાજધાની ઢાકામાં શુક્રવારે હજારો મુસ્લિમોએ એકત્ર થઈ હિન્દુ-મુસ્લિમ વચ્ચે તંગદિલી વધારવા બદલ ભારત સરકારની ટીકા કરી હતી. નોંધનીય છે કે, રાજધાની દિલ્હીમાં બન્ને કોમ વચ્ચે ફેલાયેલી તંગદિલીના કારણે ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા ૪૦ લોકોનાં મોત થયા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. શુક્રવારની નમાઝ પછી ઢાકાની બૈતુલ મોકરરમ મસ્જિદની બહાર હજારો મુસ્લિમો એકત્ર થયા હતા અને વડાપ્રધાન મોદી સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. આ પ્રદર્શનકારીઓની માગણી હતી કે વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાનની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવાની યોજના રદ કરે. અહીંના પ્રભાવશાળી મુસ્લિમ સંગઠન હિફઝત-એ-ઈસ્લામના નેતા નૂર હુસેન કાસેમીએ કહ્યું હતું કે, મેં વડાપ્રધાન શેખ હસીનાને કહ્યું છે કે, નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા આમંત્રણને તાત્કાલિક રદ કરવામાં આવે. જો તે આમ કરવામાં નિષ્ફળ જશે તો દેશના લોકોને જાતે કાર્યવાહી કરવી પડશે અને એરપોર્ટનો ઘેરાવ કરવો પડશે.