(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
સ્કૂલ બોર્ડ સીબીએસઇ તમામ પેપરોની પરીક્ષા ફરી લે તેવી માગ સાથે જંતર મંતર ખાતે દિલ્હીના વિદ્યાર્થીઓએ વિશાળ પ્રદર્શન કર્યું છે તેઓએ એમ પણ કહ્યું કે, બે પેપરો કરતાં સમગ્ર પરીક્ષા ફરી લેવા માગ કરી હતી. તેઓએ કહ્યું કે, ગણિત અને અર્થશાસ્ત્ર ઉપરાંત પરીક્ષા પહેલાં ઘણા પેપરો લીક થયાં હતાં. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે કહ્યું હતું કે, પરીક્ષાના ૩૦ મિનિટ પહેલા વોટ્‌સએપ પર ૨-૩ પેપર લીક થયા હતા. આ અંગે ખાસ ટીમ તપાસ માટે રચાઇ છે. દિલ્હી પોલીસે ૨૫થી વધુ લોકોની પુછપરછ કરી છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે જેઓ હાથથી લખીને પરીક્ષા આપે છે.પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની આશા વ્યક્ત કરી છે.
આ અંગે ૧૦ મુદ્દા
૧. પેપર લીકમાં સંડોવાયેલા લોકોને પકડી લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, હું પણ આખી રાત ઉંઘી શક્યો નથી. હું પણ વાલી છું. લીક અંગે વડાપ્રધાન મોદીએ પણ ભારે ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ મંત્રી સાથે બુધવારે વાત કરી હતી.
૨. સીબીએસઇ ધોરણ ૧૨મી અર્થશાસ્ત્ર અને ૧૦ની ગણિતની પરીક્ષાની નવી તારીખો આગામી અઠવાડિયે જારી કરશે જે સોમવારે રદ કરાઇ હતી.
૩. પેપર્સ લીક થવાના સવાલો વચ્ચે ઘેરાયેલા બોર્ડે પોલીસને જણાવ્યું હતું કે, તેમને ૨૩મી માર્ચે લીક પેપરનો ફેકસ મળ્યો હતો. તેમાં પશ્ચિમ દિલ્હીમાં રહેતા રાજીન્દર નામની વ્યક્તિને જવાબદાર ગણાવી હતી.
૪. પોલીસે કહ્યું કે, હાથથી લખેલા સવાલ પેપરના તેઓએ સ્ક્રીનશોટ્‌સ લઇ લીધા છે જે વોટ્‌સએપ પર આ વ્યક્તિ દ્વારા ફેરવાયા હતા. તેઓ વોટ્‌સએપના સ્ત્રોતો શોધવાના પ્રયાસો પણ કરી રહ્યા છે.પરંતુ સતત ફરતાથયેલા મેસેજ અગે ગુંચવણમાં પણ છે.
૫. એસએસસી પેપર લીકના એક મહિના બાદ સીબીએસઇના પેપર લીક અંગે સરકાર વિપક્ષના ઘેરામાં આવી છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું છે અને તેમને દેશના ચોકીદાર તરીકે સંબોધી તેમને વીક ગણાવ્યા હતા.
૬. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટિ્‌વટ કરી કહ્યું છે કે, મને ઘણું દુઃખ થયું છે કે, વિદ્યાર્થીઓએ કોઇપણ વાંક વિના ફરી પોતાની પરીક્ષા આપવી પડશે. આમાં જે સંડોવાયેલા હશે તેમને આકરીસજા કરાશે અને જવાબદારી નક્કી કરાશે.
૭. તપાસ હાલ સીબીએસઇ અધિકારીઓ, નિરિક્ષકો અને સ્કૂલ સ્ટાફ પર કેન્દ્રીત છે આ ઉપરાંત કોચિંગ સેન્ટરોની પણ તપાસ કરાઇ રહી છે. જોકે, અધિકારીઓએ કહ્યું છે કે, તેઓએ હજુ સીબીએસઇ અથવા પરીક્ષા કેન્દ્રોમાંથી કોઇની પણ પુછપરછ કરવાની બાકી છે. એકવાર મેસેજના સ્ત્રોતની જાણકારી મળ્યા પછી પુછપરછ હાથ ધરાશે.
૮. ઇકોનોમિક્સના લીક થયેલા પેપરો વોટ્‌સએપ સહિતના સોશિયલ મીડિયા પર સોમવારે પરીક્ષા શરૂ થયા પહેલા જ શેર કરી દેવાયા હતા. ૧૫મી માર્ચે દિલ્હી સરકારે કહ્યું હતું કે, ધોરમ ૧૨મી એકાઉન્ટના પેપર લીક થવા અંગે સીબીએસઇ તરફથી ફરિયાદ મળી હતી.
૯. જોકે, બોર્ડે કહ્યું હતું કે, કોઇ પેપર લીક થયા નથી. વિદ્યાર્થીઓ સતત કહેતા રહ્યા કે, ઇકોનોમિક્સ અને એકાઉન્ટના પેપર લીક થયા છે તેમ છતાં તેણે ઇન્કાર કરવાનું ચાલુ રાખ્યું હતું.
૧૦. કોંગ્રેસના નેતા શશીથરૂરે ટિ્‌વટ કરી હતી કે, સીબીએસઇ લીક કલંક છે અને જવાબદારી જરૂરી છે. અધિકારીઓને પણ કેઠેડામાં લાવો જ્યારે નિર્દોષ વિદ્યાર્થીઓને સજા થઇ છે.
ઇકોનોમિક્સ
પેપરના જવાબો સાથેનું
કવર CBSEને મળ્યું હતું
સીબીએસઇએ દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૬ માર્ચના રોજ તેને એક કવર મળ્યું હતું જેમાં ધોરણ ૧૨ના ઇકોનોમિક્સના પેપરના હાથથી લખેલા જવાબો હતા. કવર પર મોકલનારનું નામ લખ્યું નહોતું. નોંધનીય છે કે, ૧૨મા ધોરણની ઇકોનોમિક્સની પરીક્ષા ૨૬મી માર્ચે જ હતી. દિલ્હી પોલીસની ગુના શાખાએ ધોરણ ૧૨ ઇકોનોમિક્સ અને ધોરણ ૧૦ ગણિતના પેપર લીક થવા મામલે બે અલગ ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે. પેપર લીક થવાના અહેવાલો વચ્ચે સીબીએસઇએ બુધવારે બંને પેપરની પુનઃ પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. પોલીસને આપેલી ફરિયાદમાં બોર્ડે કહ્યું હતું કે, ૨૩મી માર્ચના રોજ કોઇ અજ્ઞાત સ્ત્રોત તરફથી ફેક્સ દ્વારા એક ફરિયાદ મળી હતી કે, રાજેન્દ્રનગરમાં કોચિંગ ક્લાસ ચલાવનારા એક વ્યક્તિ આ પેપર લીકમાં સામેલ છે. ફરિયાદમાં અહીંની બે શાળાઓનું નામ પણ લેવામાં આવ્યું છે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પરીક્ષાના પેપરો હજુ ખુલ્યા નથી ત્યારે વોસ્ટએ પર પેપર લીક થયા હતા. સોમવારે તે સમયે ભારે અફરાતફરી સર્જાઇ જ્યારે સોશિયલ મીડિયા પર ધોરણ ૧૨ના પેપર લીક થવાના અહેવાલો સાંપડ્યા હતા જ્યારે સીબીએસઇ સતત તેનો ઇન્કાર કરતી રહી. દિલ્હી પોલીસેકહ્યું કે, તેમણે ૨૭મી માર્ચે ગણિતનું પેપર અને ૨૮મી માર્ચે ઇકોનોમિક્સનું પેપર લીક થવાના બે કેસ નોંધ્યા છે. બંને ફરિયાદ સીબીએસઇના ક્ષેત્રીય નિર્દેશકની ફરિયાદ પર નોંધવામાં આવી છે.
CBSE પેપર લીકના મુખ્ય શંકાસ્પદ દિલ્હી કોચિંગ સેન્ટરના માલિકની અટકાયત
દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે સીબીએસઇના ધોરણ ૧૦ના ગણિત અને ૧૨માના અર્થશાસ્ત્ર પેપર લીક મામલે શંકાસ્પદ આરોપી ૪૦ વર્ષના વિક્કીને હિરાસતમાં લીધો છે. સીબીએસઇના પેપરે લીક થવાના અહેવાલો બાદ આ તપાસ શરૂ થઇ છે. સૂત્રો અનુસાર વિક્કી દિલ્હી ખાતેના વિદ્યા કોચિંગ સેન્ટરનો માલિક છે. વિક્કી કોમ્પ્યુટરમાં સ્નાતક છે જે તેણે ૧૯૯૬માં દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યું હતું. વિક્કી ધોરણ ૧૦ના ગણિત અને ધોરણ ૧૨ના અર્થશાસ્ત્રનું કોચિંગ આપે છે જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત દરોડાને પગલે અટકાયત કરાઇ છે. પોલીસ તેની પુછપરછ કરી રહી છે કે, કેવી રીતે પેપર લીક થયા હતા. તેની હાલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા પુછપરછ ચાલી રહી છે. દિલ્હી પોલીસે પેપર લીકમાં સ્પેશિયલ તપાસ ટીમ રચી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને પેપર લીકની જુદી તપાસ કરવામાં આવશે. બુધવારે સીબીએસઇએ પેપર લીકનો ખુલાસો કરતા ધો.૧૦ની ગણિત તથા ધો. ૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કર્યો હતો. જોકે અત્યારસુધી નવી તારીખો જાહેર કરાઇ નથી.
SSC પરીક્ષા લીક : આરોપીઓ પેપર સોલ્વ કરવા


માટે ઉમેદવારોના કોમ્પ્યુટર સાથે રિમોટને જોડતા હતા
એસએસસી પેપર લીક અંગે એક તરફ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો ચાલુ છે ત્યારે ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે દિલ્હી પોલીસની મદદથી એસએસસીની પરીક્ષાને પૈસા લઇને પાસ કરાવવાની ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને રિમોટ એક્સેસ ટૂલ દ્વારા એસએસસીની ઓનલાઇન પરીક્ષામાં પેપર સોલ્વ કરાવતી હતી. ગેંગ એસએસસીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે ૧૦૦-૧૫૦ સોલ્વરોનો ઉપયોગ કરતી હતી. એસટીએફે દિલ્હી પોલીસની મદદથી મંગળવારે દિલ્હીમાંથી આ ગેંગને પકડી પાડી હતી. પોલીસે કહ્યું કે, આ વ્યક્તિ એએમએમવાયવાય સોફ્ટવેરના ઉપયોગ દ્વારા યૂઝરના કમ્પ્યુટરને રિમોટથી ચલાવતા હતા.જ્યારે તેમનું આ સોફ્ટવેરકામ ન કરે ત્યારે તેઓ લોકસ એરિયા નેટવર્કનો સહારો લેતા હતા જે વિસ્તારના કમ્પ્યુટરને ઇન્ટરકનેક્શન પુરૂ પાડતું હતું. ઉત્તર દિલ્હીના ડીસીપી જતિન નરવાલે કહ્યું કે, ગેંગ ઉમેદવાર પાસેથી એસએસસીના પેપર સોલ્વ કરાવવા માટે ૫-૧૦ લાખ રૂપિયા લેતી હતી. તેમણે કહ્યું કે, ગાંધી વિહારના દરોડામાં અમને ૫૧.૮ લાખ રૂપિયા રોકડ મળી છે. ગેંગ સમગ્ર દેશમાં પ્રાઇવેટ કમ્પ્યુટર લેબમાથી ઉમેદવારોના પેપર સોલ્વ કરાવતી હતી. આમાંથી કેટલીક લેબ મુખ્ય આરોપી હરપાલની હોવાનું મનાય છે આ ઉપરાંત ગેંગમાં અન્ય સભ્યો પણ છે. યુપી એસટીએફના એસપી અભિષેક સિંહે કહ્યું કે, આ ગેંગ પહેલા ગ્રાહકને શોધતી હતી બાદમાં તેઓ ટીમ વ્યુઅર અને એએમએમવાયવાય અથવા લેન દ્વારા ઉમેદવારના કમ્પ્યુટરને જોડતી હતી. તેમણે કહ્યું કે આ છેતરપિંડીમાં આશરે ૧૮૦ ઉમેદવારોને ફાયદો પહોંચાડાયો હોવાનું મનાય છે. આ અંગે ચાર વ્યક્તિની ધરપકડ કરાઇ છે અને મુખ્ય આરોપી હરપાલની શોધખોળ ચાલુ છે.
CBSE પેપર્સ લીક : કોંગ્રેસની પ્રકાશ જાવડેકર, CBSE 
અધ્યક્ષ અનિતા કરવાલને હાંકી કાઢવાની માગ
સીબીએસઇની ૧૦ની પરીક્ષાના લીક થયેલા પેપર સીબીએસઇ અધ્યક્ષના વોટ્‌સએપ પર મોકલાયું હતું. ત્યારબાદથી એવા સવાલ ઉઠવા લાગ્યા છે કે, શું બોર્ડે પરીક્ષા શરૂ થયા પહેલા પેપર રદ કરવા જોઇતા નહોતા. ઉલ્લેખનીય છે કે, ૧૦માના લીક થયેલા પેપરની પરીક્ષા બુધવારે નિર્ધારિત હતી અને પરીક્ષા બાદ બોર્ડે પેપર લીકનો હવાલો આપતા ગણિતનું પેપર રદ કરી દીધું હતું.કોંગ્રેસે પેપર લીક અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે, જાણકારીછતાં સીબીએસઇના પ્રમુકે સમગ્ર માહિતી દબાવી રાખી. તેમને તરત હાંકી કાઢવા જોઇએ. તેમણે માનવ સંસાધન વિકાસ પ્રદાન પ્રકાશ જાવડેકરના રાજીનામાની પણ માગ કરી હતી. બીજી તરફ માનવ સંસાધન વિકાસ પ્રધાન જાવડેકરે કહ્યું છે કે, પેપર લીકને કારણે સીબીએસઇના છબિને નુકસાન પહોંચ્યું છે અને દોષિઓને છોડવામાં નહીં આવે. રણદીપ સૂરજેવાલાએ પ્રશ્ન કર્યો હતો કે, અગાઉના સીબીએસઇના પ્રમુખનો કાર્યકાળ ૨૦૧૭માં કેમ ટુંકાવી દેવામાં આવ્યો હતો, શા માટે સરકાર એવા વ્યક્તિઓને જ આ નોકરીઓ આપે છે જેઓ પહેલા પીએમ સાથે કામ કરીને ગયા હોય. કોંગ્રેસે સીબીએસઇ અધ્યક્ષ અનિતા કરવાલ અને માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરના રાજીનામાની માગ કરી હતી.