(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
દેશની રાજધાની દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબીયત લથડી છે. ગુરૂવારે તેમની તબીયતમાં સુધારો દેખાયો હતો પરંતુ શુક્રવારે અહેવાલ મળ્યા હતા કે, તેમના ફેફસામાં સંક્રમણ વધતા તબીયત ફરીવાર લથડી છે. હવે તેમને ઓક્સિજન સપોર્ટ પર રખાયા છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આ અંગેની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સત્યેન્દ્ર જૈન કોરોના વાયરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૫૫ વર્ષીય સ્વાસ્થ્ય મંત્રીને જરૂર પડતા ઓક્સિજન સપોર્ટ પર રખાયા છે. શુક્રવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી ત્યારબાદ તેમને ઓક્સિજન આપવામાં આવ્યું છે. જૈનની સારવાર દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં ચાલી રહી છે. કેટલાક દિવસ પહેલા જૈને ભારે તાવની ફરિયાદ કરી હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જૈનનો પ્રથમ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંત બુધવારે તેમને કોરોના પોઝિટિવ ગણાવાયા હતા. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને તાવ ઓછો થયો છે. તેમને ઓક્સિજન પર વધુ સમય માટે રાખવામાં આવ્યા હતા. પરંતુ એવું કહી શકાય કે તેમની તબીયતમાં સુધારો છે. અહેવાલો અનુસાર દિલ્હી સરકાર જૈનના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં લાગી છે. કોરોના સંક્રમિત થયા પહેલા જૈન સતત બેઠકોમાં ભાગ લઇ રહ્યા હતા. દિલ્હી મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે બેઠક કરી હતી તેમાં પણ અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સાથે સત્યેન્દ્ર જૈન પણ હાજર હતા. જૈન ઉપરાંત અત્યારસુધી આમ આદમી પાર્ટીના કુલ ચાર ધારાસભ્યો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. કેટલાક દિવસ પહેલા આપના ધારાસભ્ય આતિશીને પણ કોરોના સંક્રમિત ગણાવાયા હતા. જે બાદ તેમણે પોતાને ઘરમાં જ ક્વોરન્ટાઇન કરી લીધા હતા.