(એજન્સી) તા.૭
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દિલ્હી કોમવાદી હિંસા પાછળ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્‌પની બે દિવસની મુલાકાત દરમિયાન ભારતને બદનામ કરવાની રાજકીય સાઝીશ હતી. તેમણે ઉમેર્યુ હતું કે રમખાણોમાં તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા કાવતરાખોરોને સજા કરવામાં આવશે. તેમણે શુક્રવારે મીન્ટ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ સમિટ ખાતે હિંદુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ દેશને બદનામ કરવા માટેની એક રાજકીય સાઝીશ હતી જે દુર્ભાગ્યપૂર્ણ છે. તપાસ ચાલી રહી છે. સત્ય બહાર આવશે અને જે લોકો અપરાધી હશે તેમની સામે સરકાર કડક કાર્યવાહી કરશે. જો કે ગડકરીએ પાછળથી જણાવ્યું હતું કે આ તેમનો અંગત અભિપ્રાય હતો અને કોઇ પણ નિષ્કર્ષ પર આવતાં પહેલા તપાસ અહેવાલની રાહ જોવી જોઇએ. ગડકરીએ એવો પણ નિર્દેશ આપ્યો હતો કે તોફાન ભડકાવવા માટે એસિડના બોંબ અગાઉથી લાવવામાં આવ્યાં હતા. એસિડ બોંબ ચેક આપીને ખરીદવામાં આવ્યાં હતાં અને આમ પૂર્વ તૈયારી હતી. તેમ છતાં અત્યારે તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. તપાસના તારણો આવે ત્યાં સુધી અમે રાહ જોઇશું. ગડકરીએ રાજકીય હરીફો પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓ લઘુમતીઓને સતત ભયમાં રાખવા માટે રાજકીય રણનીતિના સાધન તરીકે ભયનો ઉપયોગ કરે છે. ગડકરીએ એવું પણ જણાવ્યું હતું કે સરકાર સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સૂત્રને પ્રતિબદ્ધ છે અને દોહરાવ્યું હતું કે સીએએ પાછળનો હેતુ લઘુમતી સમુદાયના એક પણ સભ્યની નાગરિકતા છિનવી લેવાનો નથી. તેમણે જણાવ્યું હતું કે સરકાર વિપક્ષો અને લઘુમતીઓ સાથે આ અંગે ચર્ચા કરવા તૈયાર છે. ઘાતક કોરોના વાયરસ સામે કામ લેવા માટે સરકારની તૈયારી સામે સવાલ ઉઠાવનાર રાહુલ ગાંધીના નિવેદન પરના એક પ્રશ્નના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે કોરોના વાયરસને રાજકીય સ્વરુપ આપવું જોઇએ નહીં.