અમદાવાદ,તા.૧૧
દિલ્હીની ચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટીને હરાવવા તમામ વિપરીત પરિસ્થિતિ ઉભી કરી હોવા છતાં જંગી બહુમતીથી આપની જીત થતા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના અરૂણ મહેતાએ દિલ્હીની જનતાને અભિનંદન પાઠવી જણાવ્યું છે કે ધાર્મિક આધારે પ્રજાના ભાગલા પડાવી ધિક્કાર અને નફરત ફેલાવવાના ભાજપના તમામ પ્રયાસોને દિલ્હીની જનતાએ જાકારો આપ્યો છે. આ પરિણામો પરથી સાબિત થાય છે કે, પ્રજાએ ધાર્મિક લાગણી ઉશ્કેરવાની રાજનીતિના વળતા પાણી થયા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પક્ષે, સ્થાનિક પક્ષ સામે, ૩૦૦ સાંસદો, ર૪ જેટલા કેન્દ્રીય પ્રધાનો, પાંચ જેટલા રાજયોના મુખ્યમંત્રીઓ, પ૦,૦૦૦ આર.એસ.એસ.ના કાર્યકરો અને ખુદ વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહે, ખુદ શેરીઓમાં ઉતરી-એડીચોટીનું જોર લગાવ્યું અને શાહીનબાગ, હિન્દુસ્તાન-પાકિસ્તાન, રામમંદિર, કાશ્મીર ૩૭૦ કલમ, સીએએ, એન.આર.સી. જેવા મુદ્દાઓ ઉછાળીને જનતામાં હિન્દુ-મુસ્લિમ ભાગલા પડાવી (ધિક્કારની રાજનીતિ અપનાવ્યા છતાં, દિલ્હીની જનતાએ ગજબની પરિપકવતા દાખવીને ભારતીય જનતા પક્ષને સંપૂર્ણ જાકારો આપ્યો છે. એટલું જ નહીં જનતાના પાયાના પ્રશ્નો આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ, વીજળી, અને રોજગારના પ્રશ્નોને વજુદ આપી-આપની તરફેણમાં મતદાન કરેલ છે.