(એજન્સી) તા.ર૩
લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ગુરૂવારે કહ્યું હતું કે, એક જૂથના ગુના માટે સમગ્ર મુસ્લિમ સમુદાયને જવાબદાર ઠેરવી ન શકાય. દિલ્હીમાં તબ્લીગી જમાતના કાર્યક્રમ પછી કોવિડ-૧૯ના કેસોમાં થયેલા વધારા બદલ મુસ્લિમોને જવાબદાર ઠેરવવામાં વલણ સામે પ્રતિક્રિયા આપતાં નકવીએ કહ્યુું હતું કે, મોટાભાગના મુસ્લિમોએ આ મુદ્દે તબ્લીગી જમાતની ટીકા કરી છે. સત્તાવાર ન્યૂઝ એજન્સી સાથેના ઈન્ટરવ્યુમાં કેન્દ્રીય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમો લોકડાઉન અંગેની માર્ગદર્શિકાનું પાલન કરશે. તેમણે કહ્યું હતું કે, દેશભરના ઈમામ, ઉલેમા અને મુસ્લિમ સંગઠનોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે રમઝાન દરમિયાન મુસ્લિમો મસ્જિદો અને ધાર્મિક સ્થળોએ એકત્ર નહીં થાય તેમજ ઈફતાર અને તરાવીહ ઘરે જ પડશે. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, તેમણે સ્ટેટ વકફ બોર્ડના અધિકારીઓ, સામાજિક અને ધાર્મિક નેતાઓ સાથે વાત કરી હતી અને તેમને લોકડાઉન અને સામાજિક અંતરની માર્ગદર્શિકા અંગે જાગૃત્તતા ફેલાવવા અપીલ કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કેટલાક લોકો કોરોના વાયરસ ફેલાવવા બદલ મુસ્લિમોને જવાબદાર ઠેરવી રહ્યા છે ત્યારે નકવીએ કહ્યું હતું કે, એક સંગઠન અથવા એક વ્યક્તિના ‘ગુના’ માટે સમગ્ર સમુદાયને જવાબદાર ઠેરવી ન શકાય. તેમણે કહ્યું હતું કે, તે સંગઠને ગુનાહિત બેદરકારી કે ગુનો જે પણ કર્યું હોય મોટાભાગના મુસ્લિમોએ તેની સખ્ત ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, દેશમાં નોંધાયેલા કોવિડ-૧૯ના કુલ કેસોમાંથી ર૯.૮ ટકા કેસો તબ્લીગી જમાત સાથે સંકળાયેલા છે. ત્યારબાદ કેટલાક લોકોએ મુસ્લિમોની ટીકા કરી તેમને દેશમાં કોરોના વાયરસ ફેલાવવા બદલ જવાબદાર ઠેરવ્યા હતા.