(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
સફાઇના મુદ્દે ૧૧માં ક્રમે ધકેલાયેલા સુરતનો પુનઃ ટોપથ્રી શહેરમાં સમાવેશ થાય તે માટે વહીવટી તંત્ર આકાશ – પાતાળ એક કરી રહ્યું છે. જો કે, કન્ટેનર ફ્રી સિટીના ચક્કરમાં હવે વહીવટી તંત્ર તો ઠીક પણ કોર્પોરેટરો પણ નાસીપાસ થઇ ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
શહેરના વરાછા વિસ્તારમાં કન્ટેનર હટાવ્યા બાદ પણ સ્થાનિકો દ્વારા ત્યાં ગંદકી ફેલાવવામાં આવી રહી છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે હવે સ્થાનિક કોર્પોરેટરે નાછૂટકે બેનરો દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. પુણા ગામમાં અર્ચના સ્કૂલ પાસે જૂના કન્ટેનરને હટાવી લેવાયા બાદ પણ ત્યાં સ્થાનિકો દ્વારા રોજીંદો કચરો નાંખવાની આદત છૂટી નથી. સ્થાનિક કોર્પોરેટર ભરત વઘાસિયા દ્વારા આ સંદર્ભે લાખ પ્રયાસ કરવા છતાં જ્યારે કોઇ સુધર્યું નહીં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી નવી દિલ્હીથી સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ દ્વારા સુરત શહેરમાં ધામા નાંખવામાં આવ્યા છે. શહેરના ૧૧ સુએઝ ટ્રીટમેન્ટ ફ્લાન્ટ સહિત વિવિધ વિસ્તારોમાં ૩૦૦થી વધુ સાઇટનું નિરીક્ષણ કરીને આ ટીમ દ્વારા સુરત શહેરના સ્વચ્છતાનું આંકલન કરવામાં આવશે ત્યારે આ પ્રકારના દૃશ્યો વહીવટી તંત્ર કરતાં સુરતીઓને લજવવા માટે પૂરતાં કરી શકાય તેમ છે. જ્યારે ખુદ મ્યુનિ. કમિશનર થેન્નારસન દ્વારા શહેરને કન્ટેનર ફ્રી સિટી બનાવવામાં માટે ભારે જહેમત ઉઠાવવમાં આવતી હોય અને વહીવટી તંત્ર પણ સ્વચ્છતાના મુદ્દે કોઇ બાંધછોડ કરવા તૈયાર ન હોય ત્યારે એક શહેરીજન તરીકેની આપણી ફરજોનું જો આપણે પાલન ન કરી શકતા હોય તો ક્યાં સુધી માત્રને માત્ર વહીવટી તંત્રના માથે દોષનો ટોપલો ઢોળતાં રહીશું ?