(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અંગે ઉત્તરપૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી કોમી હિંસા બુધવારે પણ ચાલુ રહી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં દિલ્હી પોલીસ નિષ્ફળ નીવડી હોવાથી સેના બોલાવવાની માગણી કરી હતી. તોફાની તત્વો શેરીઓમાં અને માર્ગો પર દુકાનો લૂંટીને સળગાવી રહ્યા હતા, પથ્થરમારો કરી રહ્યા હતા અને લોકોને માર મારી રહ્યા હતા ત્યારે તેમને પકડવા માટે દિલ્હી પોલીસ સંઘર્ષ કરી રહી હતી ત્યારે ઉત્તરપૂર્વ દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ હિંસા ફેલાઇ હતી. બુધવારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે હિંસામાં સંડોવણી બદલ દિલ્હી પોલીસે ૧૦૬ લોકોની ધરપકડ કરી છે અને હિંસાના સંદર્ભમાં ૧૮ એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસે લોકો માટે બે હેલ્પલાઇન નંબર્સ જારી કર્યા છે – ૦૧૧-૨૨૮૨૯૩૩૪ અને ૨૨૮૨૯૩૩૫