(એજન્સી) નવી દિલ્હી,તા. ૭
ઉત્તરપૂર્વ દિલ્હીના શિવ વિહારમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં હુમલો કરવામાં આવ્યાના એક સપ્તાહ બાદ પોતાની દુકાન જોવા માટે પરત આવેલાં ૪૦ વર્ષીય મુમતાઝ બેગમ તેમના પરિવાર માટે રોજી કમાવવાનો એક માત્ર સ્ત્રોત તેમની દુકાન સંપૂર્ણપણે બાળી નખાયેલી જોઇને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ૨૫મી ફેબ્રુઆરીની રાત્રે માત્ર લાઠીઓ અને સળિયાઓથી સુસજ્જ નહીં પરંતુ એસિડ સાથે લાવેલા એક હિંસક ટોળા દ્વારા મુમતાઝ બેગમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. એસિડથી કરાયેલા હુમલામાં મુમતાઝ બેગમના પતિ બાવન વર્ષીય મોહમ્મદ વકીલનું શરીર અને ચહેરો ગંભીર રીતે દાઝી ગયો છે. તેમણે જણાવ્યું કે હિંસક ટોળા દ્વારા શેરીઓમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે ટેરેસ પર હતા. અમારા ઘરને આગ ચાંપવામાં આવી ત્યારે ભારે ધુમાડાને કારણે અમે જોઇ ન શક્યા કે અમારા પર ક્યારે એસિડ વડે હુમલો કરવામાં આવ્યો ? વકીલને લોકનાયક જયપ્રકાશ નારાયણ (એલએનજેપી) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ડોક્ટરો તેમની આંખની સારવાર કરી રહ્યા છે. એસિડ વડે હુમલો કરાયો ત્યારથી વકીલ તેમની આંખ ખોલી શકતા નથી. તેમણે કહ્યું કે એસિડ વડે કરાયેલા હુમલામાં તેમની ૨૦ વર્ષની પુત્રી અનમના શરીર પર ફોલ્લા પડી ગયા છે. ઉપદ્રવીઓ તેમના પરિસરમાં ઘૂસ્યા ત્યારે મુમતાઝનો છ સભ્યોનો પરિવાર છટકીને નજીક આવેલી મદીના મસ્જિદમાં પહોંચી ગયો હતો. હિંસક ટોળા દ્વારા મસ્જિદ પર પણ હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમનો પરિવાર એક માત્ર એવી દુઆ માગી રહ્યો હતો કે હુમલાખોરો દ્વારા તેમને મારી નાખવામાં આવે તેના કરતા મસ્જિદના કાટમાળ નીચે દબાઇને તેઓ મરવા માગતા હતા. અમે લોકો એવી દુઆ માગી રહ્યા હતા કે અમે સલામત રીતે બહાર નીકળી જઇએ અથવા તો મસ્જિદના કાટમાળ નીચે દબાઇને મરી જઇએ, એમ મુમતાઝ બેગમે કહ્યું હતું. તેમણે એવું પણ જણાવ્યું કે અમે પોલીસને ઘણા ફોન કર્યા પરંતુ અમારી મદદે કોઇ ન આવ્યું. નાળા નજીક ઉભા રહેલા પોલીસવાળાઓને અમે જોયા હતા પરંતુ મને લાગ્યું કે મદદ માટે તેમને નહીં કહેવાનું બહેતર હશે.