(એજન્સી) નવી દિલ્હી,તા.૧૫
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે દિલ્હીમાં કોરોનાના કેસની સ્થિતિ સુધરી હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજધાનીમાં કોવિડ-૧૯ના કેસ અંદાજા કરતા ઓછા છે અને હોસ્પિટલની સ્થિતિ સુધરી રહી છે. બધા લોકોના સહયોગથી કોરોનાનો મુકાબલો સંભવ થયો છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે આપણે આત્મસંતુષ્ટ નથી થવાનું અને તૈયારીઓ ચાલુ રાખવાની છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે જણાવ્યું કે, ’કેન્દ્ર સરકારની જે ફોર્મ્યુલા હતી, આજે ૧૫ જુલાઈ સુધીમાં દિલ્હીમાં કોરોનાના સવા બે લાખ કેસ હશે તેમ તેના બદલે હકીકતમાં આજે અડધા કેસ જ છે. આજે દિલ્હીમાં કોરોનાના ૧.૧૫ લાખ કેસ છે. આ દિલ્હીની જનતા, દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારની સજાગતાથી સંભવ બન્યું છે. સ્થિતિ ખૂબ જ નિયંત્રણમાં છે પણ કોરોના કોઈ પણ સમયે વધી શકે છે. તૈયારીઓ ચાલુ જ રાખવાની છે. હું આ મહેનત માટે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.’ કેજરીવાલે જણાવ્યું કે, ’કેન્દ્ર સરકારે અમારી મદદ કરી. દિલ્હીમાં સૌથી પહેલા એન્ટીજન ટેસ્ટ થયા. ત્યાર બાદ સૌથી મહત્વની વાત છે હોમ આઈસોલેશન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી મોડલની પ્રશંસા કરી છે.