વડોદરા, તા.૪
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આજે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં રાજ્યભરમાં ધરણા અને દેખાવો યોજવામાં આવ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે વડોદરા કલેકટર કચેરી પર ધરણા અને દેખાવો યોજ્યા હતા. જેમાં વડોદરા શહેરના હોદ્દેદારો, ધારાસભ્ય તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પ્લેકાર્ડ અને બેનર સાથે વર્તમાન ભાજપ સરકારની પ્રજા વિરૂદ્ધની કામગીરી સામે સૂત્રોચાર કરોને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી બિલ કેન્સલ કરવું જોઈએ અને ખેડૂતો પર લાઠીચાર્જ વરસાવી અત્યાચાર આચરવામાં આવ્યો છે, તે ખુબ જ ગંભીર બાબત છે. આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને વડાપ્રધાનને રજૂઆત કરો છે કે, ખેડૂતોને લાભદાયી બિલ લાવવામાં આવે. નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનો સામનો કરવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી બોર્ડર પર પંજાબ-હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલાં ખેડૂત આંદોલનને હવે ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું છે. એટલું જ નહીં, આજે કોંગ્રેસે રાજ્યના જિલ્લા મથકોએ ધરણા યોજીને કૃષિ બિલનો વિરોધ કરવા નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કૃષિ બિલનો વિરોધ કરવા અગાઉ રાહુલ ગાંધીએ એક દિવસીય ગુજરાત પ્રવાસ કરવા નક્કી કર્યું હતું. પણ કાર્યક્રમ રદ કરાયો હતો. હવે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસે દિલ્હી ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના કાર્યકરો દરેક જિલ્લા મથકોએ ધરણાં યોજશે અને દેખાવો કરી વિરોધ પ્રદર્શિત કરશે. કોંગ્રેસે માંગ કરી છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગ સ્વીકારે અને કૃષિ કાયદાને રદ કરે.