(એજન્સી) તા.૩
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે પણ ભાજપના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકાર પર હુમલા ચાલુ રાખ્યા હતા. તૃણમૂલ અધ્યક્ષે દિલ્હીના રમખાણો અને સીએએ અંગે ઊભા થયેલા વિવાદ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યો હતો. સોમવારે મમતા બેનરજીએ કહ્યું હતું કે, દિલ્હીની હિંસા એક પૂર્વઆયોજિત નરસંહાર છે, જ્યારે મંગળવારે તેમણે લોકોને તોફાનીઓથી સચેત રહેવાની અપીલ કરી હતી. ઉત્તર દિનાજપુર જિલ્લામાં એક રેલીને સંબોધતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, “જે દિલ્હીમાં થયું તે કયારેય બંગાળમાં નહીં થાય.” તેમણે કહ્યું હતું કે, “દિલ્હીમાં જે થયું તેનાથી હું દુઃખી છું, ત્યાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. હજી પણ નાળામાંથી મૃતદેહો મળી રહ્યા છે, પરંતુ કેન્દ્રએ હજી સુધી એક પણ વખત અફસોસ વ્યક્ત કર્યો નથી. તેમણે આ પણ કહ્યું નથી કે, આ હત્યાઓથી તેઓ શરમ અનુભવે છે કે, દુઃખી છે.” મમતા બેનરજીએ આ પણ કહ્યું હતું કે, જે લોકોએ ચૂંટણીમાં મત આપ્યો છે, તે બધા ભારતીય નાગરિકો છે અને તેમને ફરીથી નાગરિકતા માટે અરજી કરવાની જરૂર નથી. તૃણમૂલ અધ્યક્ષે કહ્યું હતું કે, “તમારે ચિંતા કરવાની કે ડરવાની કોઈ જરૂર નથી. જો કોઈ તમારા બારણે આવી તમારા દસ્તાવેજો અને માહિતી માંગે તો તેના મોઢે સ્પષ્ટ રીતે કહી દો કે, તમારી પાસે મતદાર ઓળખકાર્ડ છે અને તે નાગરિકતા માટે પૂરતું છે.”

બંગાળમાં રહેતા બધા બાંગ્લાદેશીઓ ભારતીય નાગરિકો છે : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે કહ્યું હતું કે, “બંગાળમાં જે લોકો બાંગ્લાદેશથી આવ્યા છે અને ચૂંટણીમાં મત આપી રહ્યા છે, તે બધા ભારતીય નાગરિકો છે અને તેમને નવેસરથી નાગરિકતા માટે અરજી કરવાની જરૂર નથી.” તેમણે એક જાહેરસભામાં કહ્યું હતું કે, “જે લોકો બાંગ્લાદેશથી આવ્યા છે, તે ભારતીય નાગરિકો છે. તેમણે નાગરિકતા મેળવી લીધી છે. તમારે નાગરિકતા માટે અરજી કરવાની જરૂર નથી. તમે ચૂંટણીમાં તમારો મત આપો છો. વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ચૂંટો છો અને હવે તેઓ કહી રહ્યા છે કે, તમે ભારતીય નાગરિક નથી. તમે તેમની વાત પર વિશ્વાસ ન કરો.”