(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
ઉત્તર-પૂર્વ દિલ્હીના સંશોધિત નાગરિકતા કાયદા સીએએ વિરોધી હિંસામાં ર૭ લોકોનાં મોત થયા અને ર૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. હિંસા સાથે જોડાયેલા કેટલાક વીડિયો અને ફોટો સામે આવ્યા છે જેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે, સીએએ સમર્થકો અને વિરોધીઓની વચ્ચે હિંસાનું દૃશ્ય કેટલું ભયંકર છે. હિંસામાં અનેક લોકોની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ છે. આવા જ એક રમખાણ પીડિતે આપવીતી સંભળાવી છે. રમખાણ પીડિતનું કહેવું છે કે, પોલીસ અને પબ્લિક મળીને આગ લગાવી રહી હતી. પીડિત ભૂરાખાને પોતાના ઘરમાં લાગેલી આગના તે ભયંકર દૃશ્યનો ઉલ્લેખ કર્યો તો તે ભાવુક થઈને રડી પડયો. તેમણે જણાવ્યું કે, મેં ફાયર બ્રિગેડ પર ફોન કર્યો અને તેમને જણાવ્યું કે, ભજનપુરા સ્થિત પીર બાબા બજારમાં કોર્નર પર સ્થિત મારા પ્લોર્ટમાં આગ લાગી ગઈ છે. લગભગ અઢી વાગ્યાની આસપાસ બન્ને તરફથી પથ્થરમારો થઈ રહ્યો હતો. અમને ભાગવાની તક મળી નહીં અને અમે ઘરમાં જ રહ્યા. અમે શટર બંધ કરી તાળા લગાવી દીધા. તેમણે આગળ જણાવ્યું કે, પબ્લિકે કારમાં આગ લગાવી જેવી જ તેમણે કારમાં આગ લગાવી તો અમે નિરાશ થવા લાગ્યા અને આગ ઓલવવા માટે સબમર્સિબલ ચાલુ કર્યો હતો લોકોએ અમારા પર પથ્થરમારો શરૂ કરી દીધો અને અમારા પર ટીયરગેસ છોડયા. ત્યારબાદ મેં બીજા બારણાંથી બહાર જોયું તો પોલીસ અને પબ્લિક બન્ને જ આગ લગાવી રહ્યા હતા. ત્યારબાદ અમે સબમર્સિબલને બીજી તરફ લઈ જઈ રહ્યા હતા તો જાણવા મળ્યું કે, વીજળીના કેબલમાં આગ લાગી ગઈ અને સબમર્સિબલ બંધ થઈ ગયું. ભૂરાખાને રડતા રડતા આગળ જણાવ્યું કે મારા નિર્ણયના કારણે બધા રોકાયા પરંતુ ત્યારબાદ મેં બાળકોને કહ્યું અહીંથી ભાગી જાવ તો બધા ધાબેથી ભાગી ગયા. બધાએ કૂદી-કૂદીને પોતાનો જીવ બચાવ્યો. મેં આ દરમિયાન અનેક વખત ફાયર બ્રિગેડને ફોન કર્યો પરંતુ મને અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા અને કહ્યું ટેન્શન ના લો ગાડી આવી રહી છે. ગાડી આવી પરંતુ થોડીક જ વારમાં જતી રહી. અમારી સાથે કોઈ સંપર્ક સાધ્યો નહીં. કોઈ ફોન કર્યો નહીં.