ખેડૂત નેતાઓની ધમકી પછી ગૃહમંત્રી અમિત શાહ તાબડતોબ રાજનાથસિંહ, કૃષિ મંત્રી તોમર અને ભાજપના પ્રમુખ જેપી નડ્ડાને મળવા દોડ્યા, દિલ્હીમાં પ્રવેશવાના પાંચ માર્ગો બ્લોક કરવાની ધમકી અપાઇ
પ્રદર્શન દરમિયાન વધુ એક લુધિયાણાના ખેડૂતનું ભારે ઠંડીમાં હાર્ટએટેકથી મોત, એક અઠવાડિયામાં બીજું મોત, દિલ્હીની
વિવિધ સરહદો પર ત્રણ લાખથી વધુ આંદોલનકારીઓ એકઠા થયા હોવાનો ખેડૂત નેતાઓનો દાવો
માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે વડાપ્રધાન મોદી અમારી માગણીઓ પર ધ્યાન આપે અમારી માગણીઓ અસ્વીકાર્ય નથી, અમારી ચિંતાઓ પર ધ્યાન નહીં અપાય તો સત્તાધારી પાર્ટીએ ભારે કિંમત ચૂકવવી પડશે : સિંધુ સરહદ પર ખેડૂત નેતાઓનો હુંકાર
(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
મોદી સરકાર દ્વારા લવાયેલા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીને સમરાંગણમાં બદલી નાખનારા ખેડૂત આંદોલન છેલ્લા ચાર દિવસથી દિલ્હી આપપાસ ચાલી રહ્યું છે જેમાં પંજાબ અને હરિયાણાથી માર્ચ કરીને ખેડૂત નેતાઓ અને સમર્થકો આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસમાં ખેડૂતો દિલ્હીમાં ના પ્રવેશે તે માટે પોલીસ દ્વારા બળપ્રયોગની કેટલીક ઘટનાઓ પણ બની હતી જેમાં ખેડૂતો પર વોટર કેનનના મારા અને લાઠીચાર્જ સહિતના અનેક દમન ગુજારાયા છે. દરમિયાન ખેડૂતો પણ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા અને રાષ્ટ્રીય પાટનગરને વિરોધનું મેદાન બનાવ્યું છે. ખેડૂતો દ્વારા હવે કેન્દ્ર સરકારને ધમકી અપાઇ છે કે, તેઓ દિલ્હી જતા તમામ માર્ગોને બ્લોક કરશે જેમાં સોનીપત, રોહતક, જયપુર, ગાઝિયાબાદ-હાપુડ, અને મથુરાનો સમાવેશ થાય છે. એક તરફ ખેડૂતો દિલ્હીની અનેક સરહદો પર પ્રવેશ કરવા માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે દિલ્હીમાં પ્રવેશના તમામ માર્ગો બ્લોક હોવાથી પોલીસે અન્ય વાહનોને બીજા માર્ગે જવા માટે અપીલ કરી છે. ખેડૂતોની ધમકીને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કૃષિ મંત્રીને મળ્યા હતા અને આંદોલનની સ્થિતિની ચર્ચા કરવા માટે ભાજપના પ્રમુખ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.ખેડૂતો દ્વારા કેન્દ્રની અપીલ ફગાવ્યાના ૨૪ કલાકમાં અમિત શાહની આ બીજી ઇમરજન્સી બેઠક હતી.
પોલીસ દ્વારા અંતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિજાળવી રાખવાની શરત સાથે પ્રદર્શનો કરવાની છૂટ અપાઇ ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો દિલ્હી-હરિયાણાની સિંઘુ સરહદ તથા ટિકરી સરહદે ભારે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. સિંઘુ સરહદ પર એક પત્રકાર પરિષદને સંબોધતા ખેડૂત સંગઠનના નેતાઓએ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર તરફથી મંત્રણા યોજવા માટે તેમને કોઇ આમંત્રણ મળ્યું નથી. અમે સરકારની કોઇ માગણી ત્યારે જ સ્વીકારીશું જ્યારે બુરાડી ખાતે પોલીસ જાપ્તામાં રખાયેલા અમારા ખેડૂતોને મુક્ત કરવામાં આવશે. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, માત્ર બુટ્ટાસિંહને ગૃહમંત્રી અમિત શાહનો ફોન આવ્યો હતો.
દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, મોદી સરકાર ખેડૂતો પર અત્યાચાર ગુજારી રહી છે, પહેલા તે કાયદાઓને પરત ખેંચે અને પછી તેમના પર લાઠીઓ વરસાવે. પરંત તેઓ ભૂલીગયા છે કે, ખેડૂતો તેમના માટે સમગ્ર દેશમાં અવાજ ઉઠાવી રહ્યા છે. લોકોએ પણ ખેડૂતોની અવદશા વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઇએ અને તેમના આંદોલનમાં સામેલ થવું જોઇએ. બીજી તરફ ટિકરી સરહદ પર રવિવારે રાતે મોટી સંખ્યામાં દેખાવકારો વચ્ચે પંજાબના લુધિયાણા જિલ્લાના એક ખેડૂત ગજ્જનસિંહનું મોત થયું છે. ભારે ઠંડીને કારણે તેમને હાર્ટએટેક આવ્યો હતો અને નિધન થયું હતું. છેલ્લા ૭૧ વર્ષમાં આ નવેમ્બરનો સૌથી ઠંડો દિવસ હતો. બીજી તરફ હરિયાણાની તમામ ખાપ પંચાયતોએ ખેડૂતોના આંદોલનને સમર્થન આપવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે. ખાપ પંચાયતો મંગળવારે ભેગી થશે અને દિલ્હી તરફ પ્રયાણ કરશે. હરિયાણાના ખાપ પ્રધાન અને દાદરીના ધારાસભ્ય સોમબીર સાંગવાને જણાવ્યું છે કે, અમેકેન્દ્ર સરકારને અપીલ કરીએ છીએ કે, તે કૃષિ કાયદાઓ અંગે ફેરવિચારણા કરે. દરેકને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો હક છે. આ દરમિયાન શાહીનબાગની કેટલીક મહિલાઓ ખેડૂતો માટે સમર્થન દેખાડવા માટે સિંઘુ સરહદ પર પહોંચી છે જે છેલ્લા બે મહિનાથી ૫૦૦ ખેડૂત સંગઠનોને સમર્થન કરે છે. ખેડૂત નેતાઓએ જણાવ્યું છે કે, આશરે ત્રણ લાખ ખેડૂતો આ આંદોલનમાં જોડાયા છે.
Recent Comments