(એજન્સી)                   તા.૨૬

કોવિડ-૧૯ની મહામારી વચ્ચે વધુ એક ખતરો હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના માથે મંડરાઈ રહ્યો છે. દિલ્હીમાં મચ્છરજન્ય રોગોના મામલા વધી રહ્યાં છે. ત્રણેય નગર નિગમો દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડાઓ અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયાના ૭૩ કેસ વધી ગયા છે. આ ૭૩ કેસમાંથી ૩૮ મલેરિયાના, ૨૨ ડેન્ગ્યૂના અને અન્ય ૧૩ ચિકનગુનિયાના છે. જોકે આ સંખ્યા અંગે અધિકારી ઘણાં આશાવાદી છે. તેઓ માને છે કે સ્થિતિ કાબૂમાં છે કેમ કે ગત વર્ષની તુલનાએ આ સંખ્યા ૩૦ ટકા ઓછી છે. ૨૦૧૯માં શહેરમાં હાલના સમય સુધી ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયાના ૧૦૭ કેસ નોંધાઈ ગયા હતા. ઉત્તર દિલ્હી નગર નિગમના એડિશનલ મ્યુનિસિપિલ કમિશનર ઇરા સિંઘલે કહ્યું કે સ્થિતિ કાબૂમાં છે અને આવનારા દિવસોમાં તેનો સામનો કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. સિંઘલે એમ પણ કહ્યું કે એમસીડી કર્મચારી આ પ્રકોપને રોકવા તમામ ઉપાયો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ઘરોમાં મચ્છરોના પ્રજનનની તપાસ, ફોગિંગ, એન્ટી લાર્વા સ્પ્રે વગેરેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તે ઉપરાંત અમે નિવાસીઓને જાગૃત કરવા માટે જાગૃકતા અભિયાન પણ ચલાવી રહ્યાં છીએ.