(એજન્સી) પલવલ, તા.૨૭
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા અને વિવિધ પાર્ટીઓના નેતાઓને મળ્યા હતા. મમતા બેનરજી શરદ પવારના ભોજન સમારોહમાં પણ હાજરી આપશે જ્યાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ માટે ભાજપ વિરોધી મોરચો રચવા અંગેની ચર્ચા થશે. એવું પણ માનવામાં આવે છે કે, મમતા બેનરજી યુપીએના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપશે અને તાજેતરમાં જ સોનિયાના ડીનરમાં સામેલ નહીં થવા માટે પણ ખુલાસોકરી શકે છે. શરદ પવાર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડવા માટે કોગ્રેસ સહિતના વિવિધ વિપક્ષોને એકજૂથ કરી રહ્યા છે જે માટે તેમણે દિલ્હીમાં બેઠક બોલાવી છે. એવું માનવામાં આવે છે કે, સોનિયા ગાંધીએ તાજેતરમાં સીપીએમ, એનસીપી અને સમાજવાદી પાર્ટી સહિતના કુલ ૧૯ પક્ષોના નેતાઓને ડીનર માટે આમંત્રિત કર્યા હતા તેના જેવી જ બેઠક હોઇ શકે છે. સોનિયાની ડીનર પાર્ટીમાં મમતાએ પોતાના પ્રતિનિધિ તરીકે સુદીપ બંદોપાધ્યાયને મોકલ્યા હતા અને પોતે કામમાં વ્યસ્ત હોવાનું જણાવ્યંુ હતું. મમતાએ આ દરમિયાન જણાવ્યં હતું કે, મેં તમામ સાથે સંબંધો જાળવી રાખ્યા છે જેમાં હાર્દિક પટેલનો પણ સમાવેશ થાય છે, હું કોઇને પણ બાકી રાખવા માગતી નથી કારણ કે, ભાજપ કરતા આ દેશમાં કોઇ પણ વધુ કોમવાદી પક્ષ નથી.
મમતા બેનરજી આ દરમિયાન ભાજપથી નારાજ શિવસેનાના નેતા સંજય રાઉતને પણ મળ્યા હતા. તેઓ આ દરમિયાન શરદ પવાર સાથે પણ મળ્યા હતા અને કહ્યું હતું કે, સોનિયાજી બીમાર હોવાને કારણે તેમની સાથે મુલાકાત થઇ શકી નથી પરંતુ તેઓ વહેલી તકે તેમને મળશે. નેતાઓને મળ્યા બાદ મમતાએ પત્રકાર પરિષદમાં મોદી સરકાર પર પ્રહારો કરતા એમ પણ કહ્યું કે, ભાજપના કેટલાક સારા લોકો પણ છે. એસપી-બીએસપીને મોરચામાં સામેલ કરવા અંગે તેમણે કહ્યું હતુ કે, બંને નેતાઓ બેઠક બોલાવે તો આ બેઠકમાં બધા નેતાઓ આવશે. તેમણે કહ્યું કે, સંયુક્ત મોરચાને યોગ્ય બેઠકો મળશે તો કોંગ્રેસ પણ તેને ટેકો આપશે. તેમણે એમ પણ કહ્ય કે, જ્યારે રાજકીય લોકો મળે ત્યારે સ્વાભાવિક છે કે, રાજનીતિની જ ચર્ચા થાય. તેમણે ઉમેર્યું કે, અહીં કાંઇ પણ છુપાવવા જેવું નથી અને ખરેખર ૨૦૧૯ની લોકસભા ચૂંટણી રોમાંચક થવાની છે. આપહેલા ડીએમકે નેતા કનિમોઝી, સંસદમાં સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવનાર વાયએસઆર કોંગ્રેસ અને બીજેડીના સાંસદોએ પણ મમતા સાથે મુલાકાત કરી હતી. એનડીએમાંથી અલગ થયેલી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીના સાંસદો પણ મમતાને મળ્યા હતા. શરદ પવાર સાથે અડધો કલાક મુલાકાત બાદ મમતા બેનરજી રામગોપાલ યાદવને પણ મળ્યા હતા. પવાર સાથેની મમતાની બેઠક બાદ એનસીપીના પ્રફુલ્લ પટેલે કહ્યું કે, જ્યારે યુપીમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન થઇ શકે તો ભાજપ વિરૂદ્ધ સમગ્ર દેશમાં વિપક્ષી ગઠબંધન કેમ ન થઇ શકે.