(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
દિલ્હીમાં રમખાણો અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપનાર મુસ્લિમ બહુમતી દેશોમાં હવે ઇરાન પણ જોડાયું છે. આ પહેલા ત્રણ દેશો ભારતની ટીકા કરી ચૂક્યા છે. ઇરાનના વિદેશ પ્રધાન જવાદ ઝરીફે ભારતના મુસ્લિમો વિરૂદ્ધ સંગઠિત હિંસાની લહેરને વખોડી હતી અને ભારતીય અધિકારીઓને લોકોની સુરક્ષાની ખાતરી કરવા તથા સંવેદનહીન હિંસાનો શિકાર ન થવા દેવાની અપીલ કરી છે. પોતાના સંભાળપૂર્વક શબ્દોની પસંદગી માટે જાણીતા ઝરીફે સોમવારે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ઇરાન ભારતીય મુસ્લિમો વિરૂદ્ધ સંગઠિત હિંસાના પ્રવાહને વખોડે છે. સદીઓથી ઇરાન ભારતનું મિત્ર રહ્યું છે. અમે ભારતીય અધિકારીઓને આગ્રહ કરીએ છીએ કે, તેઓ તમામ લોકોની સુરક્ષાની ખાતરી કરે અને તેમની સાથે કોઇ અન્યાય ના થવા દે. શાંતિપૂર્ણ સંવાદ તથા કાયદામાં જ તેનો ઉકેલ આવશે. ઝરીફનું ટિ્‌વટ ગયા અઠવાડિયે હિંસા વિરૂદ્ધ ઇન્ડોનેશિયા, તુર્કી અને પાકિસ્તાન દ્વારા નિંદા કરાયા બાદ આવ્યું છે. મલેશિયા અને બાંગ્લાદેશે આ પહેલા સીએએ અને પ્રસ્તાવિત એનઆરસીની આકરી ટીકા કરી હતી. આ અંગે ભારતે સત્તાવાર નિવેદન આપ્યું હતું અને ઇરાનના વાણિજ્ય દૂતને બોલાવ્યા હતા. ભારતે આ પહેલા પાકિસ્તાન અને તુર્કીના નિવેદનોને પણ વખોડ્યા હતા. ઇરાનના મામલામાં ભારતે અમેરિકા દ્વારા પ્રતિબંધો લદાયા બાદ ઇરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું છે પરંતુ ચાબહાર પોર્ટ પર કામ કરવાનું ચાલુ રાખ્યું છે. શુક્રવારે ઇન્ડોનેશિયાએ જાકાર્તામાં ભારતીય દૂત સમક્ષ હિંસા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. ઇન્ડોનેશિયાના ધાર્મિક બાબતોના મંત્રાલય દ્વારા મુસ્લિમો વિરૂદ્ધ હિેંસાને વખોડતું નિવેદન બહાર પાડ્યા બાદ ભારતીય દૂત સમક્ષ આ ચિંતા દર્શાવાઇ હતી. આ પહેલા ગયા અઠવાડિયે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગને દાવો કર્યો હતો કે, ભારતમાં મોટાપાયે મુસ્લિમોનું હત્યાકાંડ કરાયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ પહેલા ભારતીય મુસ્લિમો વિરૂદ્ધ કટ્ટરતા સામે ચેતવણી આપી હતી જેમાં તેમણે દાવો કર્યો હતો કે, આના માત્ર પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિનાશક પરિણામ આવી શકે છે. ગયા અઠડાવિયે પદ છોડતા પહેલા ડિસેમ્બરમાં સીએએ વિરૂદ્ધ બોલતા મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે જણાવ્યું હતું કે, લોકો નાગરિકતા કાયદા અંગે મોતને ભેટી રહ્યા છે જોકે, ભારતે તેનો તરત જ વળતો જવાબ આપ્યો હતો. જાન્યુઆરી મહિનામાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે, જ્યારે સીએએ અને એનઆરસી ભારતના આંતરિક મુદ્દા છે ત્યારે નાગરિકતા કાયદો જરૂરી નથી.

દિલ્હી હિંસા અંગે બોલવા બદલ ઇરાનના રાજદૂતને ભારતનું તેડું

પાટનગર દિલ્હીમાં થયેલા ભયાનક રમખાણો અંગે ઇરાન દ્વારા પ્રતિક્રિયા અપાયા બાદ ભારતના વિદેશ મંત્રાલયે ઇરાનને રાજદૂતને બોલાવીને સમન્સ પાઠવ્યું છે. વિદેશ મંત્રાલય તરફથી ઇરાન દ્વારા કરાયેલા નિવેદન સામે સખત વાંધો દર્શાવાયો છે. ઇરાનના રાજદૂતને જણાવાયું હતું કે જાફરીએ જે મામલે ટિપ્પણી કરી છે તે સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ગુરૂવારે જણાવ્યું હતું કે એજન્સીઓ હિંસાને રોકવા અને સ્થિતિઓને સામાન્ય કરવામાં લાગેલી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસે આ દરમિયાન બેજવાબદાર નિવેદન નહીં આપવાની અપીલ કરી હતી. ઉત્તરપૂર્વ દિલ્હીમાં થયેલા કોમી રમખાણોમાં અત્યારસુધી ૧૩૦૦ લોકોની ધરપકડ કરાઇ છે. છેલ્લા પાંચ દિવસથી હિંસાની કોઇ ઘટના બની નથી. પોલીસે અફવા ફેલાવનારા સામે પણ કાર્યવાહી કરી છે.