(એજન્સી) નવી દિલ્હી, તા.૧
શાંતિ અને સદ્‌ભાવ માટે બનાવવામાં આવેલી દિલ્હી વિધાનસભાની સમિતિએ જણાવ્યું હતું કે, પ્રથમ નજરે જણાય છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોમાં ફેસબુકે ભૂમિકા ભજવી હતી. આ સાથે સમિતિએ જાહેરાત કરી હતી કે, તે આ હિંસામાં વ્હોટ્‌સએપની ભૂમિકાની પણ તપાસ કરશે. સમિતિના પ્રમુખ રાઘવ ચઢ્ઢાએ પોતાના આ દાવા માટે છત્તીસગઢના પત્રકાર આવેશ તિવારીને આધાર માન્યા હતા. જેમણે ભારતના ફેસબુકના પ્રમુખ અંખી દાસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે તેમણે કૃણાલ પુરોહિત અને સુભાષ ગડકેને પણ પોતાના દાવાના આધાર માન્યા છે. અલબત્ત આ આરોપો અંગે ફેસબુકે ઈ-મેલ કે મેસેજનો કોઈ જવાબ આપ્યો ન હતો.
આમ આદમી પાર્ટીના નેતા રાઘવે મીડિયાને જણાવ્યું હતું કે, સમિતિએ ફેસબુક સામે કરવામાં આવેલી ફરિયાદ અંગે બેઠક બોલાવી છે. બેઠકમાં સમિતિ સામે ત્રણ સાક્ષી હાજર થશે. જેમાં પત્રકાર અને એક અગ્રણી અખબારના સંપાદક રહેલા આવેશ તિવારી સામેલ છે. બીજા સાક્ષી પત્રકાર કૃણાલ પુરોહિત છે. જેમણે વ્હોટ્‌સએપ અને ફેસબુક અંગે અનેક મુદ્દે ઘણું સંશોધન કર્યું છે અને તપાસ કરી રિપોર્ટ સુપરત કર્યો છે. ત્રીજા સાક્ષી સુભાષ ગડકે છે, જેમણે અન્ય દેશોમાં સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવામાં ફેસબુકની શું ભૂમિકા રહી છે તે અંગે વ્યાપક અભ્યાસ કર્યો છે. રાઘવે જણાવ્યું હતું કે, સમિતિની આગામી બેઠકમાં સામેલ થવા ફેસબુકના અન્ય અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી રમખાણોમાં ફેસબુકની મોટી ભૂમિકા રહી છે. આવી સ્થિતિમાં ફેસબુકને દિલ્હી રમખાણોની તપાસમાં સહઆરોપી માનવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્ર તપાસ એજન્સીની તટસ્થ તપાસ બાદ ફેસબુક સામે કોર્ટમાં એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવી જોઈએ. રાઘવે જણાવ્યું હતંુંં કે, ફેસબુક પર જે રીતે દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો તે મુજબ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા જ રમખાણો કરાવવાનો પ્રયાસ હતો પણ સફળતા મળી નહીં. અત્રે ઉલ્લેેખનિય છે કે, આ અગાઉ અમેરિકાના એક અખબારે પણ ફેસબુક સામે ભાજપ સાથે સાંઠગાંઠ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને જણાવાયું હતું કે, ફેસબુક ભાજપના નેતાઓની નફરતપૂર્ણ પોસ્ટ સામે આંખઆડા કાન કરે છે. આ મામલે રાજકીય વિવાદ પણ સર્જાયો હતો.