(એજન્સી) તા.૧૭
કારવાં સામાયિકમાં કામ કરનાર પત્રકાર અહાન પેનકર ઉપર પોલીસે હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. એક અહેવાલ અનુસાર શુક્રવારે પેનકર પર ઉત્તરી દિલ્હીમાં એક પોલીસ અધિકારીએ કથિત રૂપે હુમલો કર્યો અને તેને કસ્ટડીમાં લઈ લીધો. પેનકર આ વિસ્તારમાં એક ૧૪ વર્ષીય દલિત યુવતી ઉપર થયેલા બળાત્કાર અને હત્યા અંગે રિપોર્ટિંગ કરી રહ્યો હતો. આ ઘટના અંગે કારવાં સામાયિકે એક ટિ્વટ પણ કર્યું છે. જેમાં એક ફોટો શેર કર્યો. આ ફોટોમાં ૨૩ વર્ષીય પેનકર શર્ટ પહેર્યાં વગર ઊભો છે અને તેની પીઠ પર હુમલાના નિશાન છે. કારવાંએ લખ્યું, આજે બપોરેે, દિલ્હી પોલીસે કારવાંના કર્મચારી અહાન પેનકરને માર માર્યો, જ્યારે તે રિપોર્ટિંગ કરી રહ્યો હતો. એસીપી અજય કુમારે મોડલ ટાઉન પોલીસ મથકના પરિસરની અંદર પેનકરને થપ્પડો અને લાતો મારી. પેનકરે પોલીસને ઘણી વખત કહ્યુંં કે તે એક પત્રકાર છે, પોતાનું આઈ-કાર્ડ પણ દેખાડ્યું. અહેવાલમાં પેનકર અનુસાર “એસીપીએ મને છાતી પર લાત મારી જેથી હું ધ્રૂજી ગયો. તે પછી તેમણે મને ફોનમાંથી વીડિયો અને તસવીરો, ફોટા ડિલીટ કરવા મજબૂર કર્યો” મોડલ ટાઉનમાં કેટલાંક લોકો એક સામૂહિક બળાત્કારની ઘટના અંગે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. આ વિરોધ પ્રદર્શનનું રિપોર્ટિંગ પેનકર કવર કરી રહ્યો હતો. તે જ સમયે એક પોલીસ અધિકારીએ પેનકર પર હુમલો કરી તેને કસ્ટડીમાં લઈ લીધો. પેનકર અનુસાર, તેની ઉપરાંત બે અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો હતો. જેમાંથી એક શીખ હતો. પોલીસે તેની પાઘડી ઉતારીને તેને માર્યો હતો.
Recent Comments