(એજન્સી) તા.૨૭
દિલ્હીમાં પ્રવર્તતી સ્થિતિ અંગે પોતે અત્યંત વ્યથિત હોવાનું જણાવીને પ.બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ભારપૂર્વક કહ્યું હતું કે દિલ્હીમાં થયેલી હિંસક અથડામણ માટે કેન્દ્રનું અસંવેદનશીલ વલણ અને ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતા જવાબદાર છે. કેન્દ્રના નવા કૃષિ કાયદાઓને ક્રૂર ગણાવીને પ.બંગાળના મુખ્ય પ્રધાને કેન્દ્રને આંદોલનકારી ખેડૂતો સાથે વાતચીત કરવી જોઇએ અને નવા કાયદાઓ રદ કરવા જોઇએ. દિલ્હીની શેરીઓમાં જે ચિંતાજનક અને દુઃખદ ઘટનાઓ ઘટી તેનાથી અત્યંત વ્યથિત થઇને તેમણે જણાવ્યું હતું કે ખેડૂત ભાઇઓ અને બહેનો પ્રત્યે કેન્દ્રનું અસંવેદનશીલ વલણ અને ઉદાસીનતા આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. મમતા બેરનજીએ આ અંગે શ્રેણીબદ્ધ ટ્‌વીટ કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોની માગણીના સમર્થનમાં યોજવામાં આવેલ ટ્રેક્ટર રેલીના પરિણામે રાષ્ટ્રીય પાટનગરના માર્ગો પર અરાજકતા સર્જાઇ હતી કારણ કે કેટલાક આંદોલનકારીઓ પોલીસ બેરીકેડ તોડીને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા, વાહનો ઊંધા વાળી દીધાં હતાં અને ભારતના ત્રિરંગા માટે વિશેષ રીતે અનામત એવા લાલ કિલ્લાની પ્રાચીર પર ધાર્મિક ધ્વજ લહેરાવીને રાષ્ટ્રનું અપમાન કર્યુ હતું. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ તો ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર આ કાયદાઓ પસાર કરવામાં આવ્યાં હતાં અને છેલ્લા બે મહિનાથી દિલ્હી નજીક ડેરા તંબૂ તાણીને ખેડૂતો દ્વારા દિલ્હીની સરહદે તેમજ ભારતભરમાં વિરોધ થઇ રહ્યો હોવા છતાં કેન્દ્રએ તેમની સાથે કામ લેવામાં ઘોર ઉપેક્ષા દાખવી છે. કેન્દ્રએ ખેડૂતો સાથે સંવાદ કરીને આ કડક કાયદાઓ રદ કરવા જોઇએ. આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિરરંજન ચૌધરીએ એવો આક્ષેપ કર્યો હતો કે દિલ્હી પોલીસે કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર ખેડૂતો પર હુમલો કર્યો હતો. આ બતાવે છે કે નાના અને સીમાંત ખેડૂતો દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે તેના પ્રત્યે ભાજપ અસંવેદનશીલ વલણ ધરાવે છે. સીપીઆઇએમના વરિષ્ઠ નેતા મોહંમદ સલીમે જણાવ્યું હતું કે આજના ઘટનાક્રમ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર છે કારણ કે તેમણે ખેડૂતોની ન્યાયિક માગણીઓ પ્રત્યે કોઇ સકારાત્મક પ્રતિસાદ આપ્યો નથી. જો કે ભાજપના રાજ્ય નેતા સોવન ચેટરજીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજનો કોઇ પણ રીતે અનાદર કે અપમાન કરવું જોઇએ નહીં.