(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વીસમાં દિવસે ભાવ વધારો નોંધાયો છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં નજીવી તેજી નોંધાઇ હતી. આજે સતત વીસમા દિવસે ડીઝલના ભાવમાં વધારો થયો. પેટ્રોલ ૨૧ પૈસા પ્રતિલીટર અને ડીઝલ ૧૭ પૈસા પ્રતિલીટર મોંઘુ થયું છે. ૨૦ દિવસમાં પેટ્રોલ રૂ.૮.૮૭ મોંઘુ થયું છે. તો ૨૦ દિવસમાં ડીઝલ રૂ.૧૦.૭૯ મોંઘુ થયું છે. ભારતના ઈતિહાસમાં પહેલીવાર એક લીટર ડીઝલની કિંમત પેટ્રોલની કિંમત કરતા વધી છે. શુક્રવારે થયેલા વધારા બાદ દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત ૮૦.૧૯ રૂપિયા થઈ છે. જ્યારે પેટ્રોલની કિંમત ૮૦.૧૩ રૂપિયા થયો છે.
ગુજરાતના મહાનગરોના પેટ્રોલ-ડીઝલના ભાવ પર નજર કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ રૂ.૭૭.૬૮ અને ડીઝલ રૂ. ૭૭.૫૮, સુરતમાં પેટ્રોલ રૂ.૭૭. ૫૨ અને ડિઝલ રૂ. ૭૭.૪૪, રાજકોટમાં પેટ્રોલ રૂ.૭૭.૪૨ અને ડીઝલ રૂ.૭૭.૩૩, જામનગરમાં પેટ્રોલ રૂ.૭૭.૫૭ અને ડીઝલ રૂ. ૭૭.૪૧ વડોદરામાં પેટ્રોલ રૂ.૭૭.૨૮ અને ડીઝલ રૂ.૭૭.૧૮, જૂનાગઢમાં પેટ્રોલ રૂ.૭૮.૩૪ અને ડીઝલ રૂપિયા ૭૮.૨૫, ભાવનગરમાં પેટ્રોલ રૂપિયા ૭૮.૯૧ અને ડીઝલ રૂપિયા ૭૮.૮૦ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં આમ તો છેલ્લાં ૨૦ દિવસથી સતત ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇનું વલણ જોવા મળ્યું છે પરંતુ સ્થાનિક બજારમાં તેની કિંમત સતત વધી રહી છે. અત્યારે ઇન્ડિયન બાસ્કેટ ક્રૂડ તેલના ભાવ ૪૨ ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યો છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં એ હિસાબથી ઘટાડો આવ્યો નથી. તેના લીધે ૨૦ દિવસમાં ડીઝલના ભાવમાં ૧૦.૭૯ રૂપિયા પ્રતિલીટર વધારો થયો છે. આવી જ રીતે પેટ્રોલના ભાવમાં પણ ૮.૮૭ રૂપિયાનો વધારો થયો છે.