(એજન્સી) નવી દિલ્હી,તા.૯
કોરોના વાયરસની ઝપટમાં બહુ ખરાબ રીતે ફસાયેલા દિલ્હીની ભવિષ્યની તસવીર વધુ ભયાનક થવાની છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના મતે દિલ્હીમાં ૩૧ જુલાઇ સુધીમાં સાડા પાંચ લાખ કેસ થઇ શકે છે.
સિસોદિયાએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર માને છે કે હાલ દિલ્હીમાં કમ્યુનિટી સ્પ્રેડ થઇ રહ્યું નથી. જ્યારે દિલ્હી સરકારને લાગે છે કે તે શરૂ થઇ ગયું છે. સિસોદિયાએ આ વાત એસડીએમએ (સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ની બેઠક બાદ કહી. તેમાં રાજ્યપાલ અનિલ બૈજલ પણ સામેલ હતા. મનીષ સિસોદિયાએ કહ્યું કે, ૧૫મી જૂન સુધીમાં દિલ્હીમાં કોરોનાના કુલ કેસ ૪૪,૦૦૦ સુધી પહોંચી શકે છે. આંકડા ૩૦ જૂન સુધી એક લાખ સુધી પહોંચી શકે છે. તો ૧૫મી જુલાઇ સુધીમાં કોરોનાના કેસ સવા લાખ થશે. જુલાઇ સુધીમાં દર્દીઓની સંખ્યા સાડા પાંચ લાખ સુધી પહોંચી શકે છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હી સરકારે જે દિલ્હીમાં માત્ર દિલ્હીના લોકોની સારવારનો નિર્ણય લીધો હતો તેને પલ્ટયો તે યોગ્ય નથી. તેનાથી દિલ્હીવાળાઓ માટે સંકટ પેદા થઇ ગયું છે. સિસોદિયાએ કહ્યું કે મીટિંગમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલને તેના પર ફરીથી વિચાર કરવાનું કહ્યું છે. પરંતુ તેમણે ના પાડી દીધી છે. દિલ્હીમાં જે સ્પીડથી કેસ વધી રહ્યા છે તેનાથી કમ્યુનિટી સ્પ્રેડનો ખતરો વધી રહ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સ્પષ્ટપણ કહ્યું કે દિલ્હીમાં કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઇ ગયું છે. પરંતુ હાલ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ આજની બેઠકમાં તેને માનવાની ના પાડી દીધી. મીટિંગ બાદ પણ જૈને કહ્યું કે દિલ્હી સરકાર સ્પષ્ટ કહી રહી છે કે કમ્યુનિટી સ્પ્રેડ છે પરંતુ તેને જાહેર કરવાનો અધિકાર કેન્દ્ર સરકારની જ પાસે છે.