(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
દિલ્હીના સ્વરૂપનગરમાં એક કમકમાટી ઉપજાવે તેવી ઘટના બહાર આવી છે. લાપત્તા બન્યાંના એક મહિના બાદ ૭ વર્ષીય બાળકની લાશ પડોશીની સ્યુટકેસમાંથી મળી આવતાં ચકચાર મચી છે. ૭ વર્ષના બાળકને નિર્દયી રીતે મારી નાખવામાં આવ્યો અને તેની લાશને સ્યુટકેસમાં બંધ કરીને રાખવામાં આવી. માસૂમની હત્યાનો આરોપ તેના ઘરે ભાડે રહેતા એક શખ્સ પર લાગ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. ઉત્તર પશ્ચિમી દિલ્હીના નાયબ પોલીસ કમિશનર અસલમ ખાને કહ્યું કે ૭ વર્ષીય આશિષ ગત ૭ જાન્યુઆરીથી લાપત્તા થયો હતો. મંગળવારની સવારે આશિષનું શબ નાથપુરા ગામમાં એક સ્યુટકેસમાંથી મળી આવ્યું. સુટકેસને આધારે પોલીસે ભાડુઆત અવધેશ શાક્યાની ધરપકડ કરી. હત્યા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક તપાસમા ંઆરોપી મોડે સુધી પાર્ટી કરવાનો શોખીન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે એવું પણ કહ્યું કે આરોપી ત્રણ વાર યુપીએસસીની પરીક્ષા આપી ચૂક્યો છે. એક પોલીસ અધિકારીએ એવું કહ્યું કે આરોપીએ આશિષનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી સામે જરૂરી કલમો હેઠળ કેસ દાખલ કરી દીધો છે. આરોપી ગત ૮ વર્ષથી પીડિતના મકાનમાં ભાડે રહેતો હતો. પાંચ વર્ષ પહેલા આશિષના પરિવારજનોએ આરોપીને તેમનું બીજું ઘર ભાડે આપ્યું હતું. ત્યાં સુધી પણ તે આશિષના સંપર્કમાં રહ્યો હતો. ડીસીપી અસલમ ખાને કહ્યું કે આરોપીને પૈસાની જરૂર હોવાથી એક કાવતરૂ કરીને આશિષનું અપહરણ કર્યું. પરંતુ ઓળખાઈ જવાની બીકે એક મહિના પહેલા તેણે આશિષની હત્યા કરી નાખી ત્યાર બાદ શબને એટેચીમાં બંધ કરીને રાખ્યું. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો કે તે લાશનો નિકાલ કરીને ખંડણીની રકમ માંગવાનો હતો. આરોપી મૂળ યુપીના ઈટાનો રહેવાશી છે. બાળકનો પરિવાર મેનપુરીનો છે. બાળક લાપત્તા બન્યાનો કેસ પણ આરોપીઓ નોંધાવ્યો હતો. અપહરણ અને હત્યા બાદ બાળકના પરિવારનો હમદર્દ બનીને સાથે રહેતો હતો.