કાશ્મીરમાં અનુચ્છેદ-૩૭૦ નાબૂદ કરવામાં કેન્દ્રની ભાજપ સરકારને સમર્થન આપનાર કેજરીવાલ સામે હવે જેવા સાથે તેવાની રાજનીતિ ખેલતા કાશ્મીરી રાજકીય નેતાઓ

(એજન્સી)              તા.૧૬

નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હી અમેન્ડમેન્ટ એક્ટ ૧૯૯૧માં સુધારો કરવાની કેન્દ્રની હિલચાલના પગલે જો આ કાયદામાં સુધારો થશે તો દિલ્હીના ઉપરાજ્યપાલને વધારાની સત્તા પ્રાપ્ત થશે એવા અહેવાલના પગલે જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય નેતાઓએ પક્ષીય મતભેદો ભુલીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નિશાન બનાવ્યા હતા.    પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજાદ લોને ટ્‌વીટ કરીને લખ્યું હતું કે હવે કેજરીવાલની સત્તાઓ પણ છિનવાઇ જવાની છે. જે રીતે તમે જમ્મુ અને કાશ્મીરના લોકોને શોભાના ગાંઠિયા બનાવવામાં સહકાર આપ્યો હતો એ  રીતે હવે તમે દિલ્હી સરકારમાં શોભાના ગાંઠિયા બની જશો. સજાદ લોને તેને દૈવી ન્યાય ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે કેન્દ્રની આ હિલચાલ કેજરીવાલ માટે યોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ સાલ અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કરવાના ભાજપ સરકારને નિર્ણયને કેજરીવાલે સમર્થન આપ્યું હતું. ૫, ઓગસ્ટ ૨૦૧૯ના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાને ટ્‌વીટ કર્યુ હતું કે અમે જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્રના નિર્ણયને સમર્થન આપીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે રાજ્યમાં તેના કારણે શાંતિ સ્થપાશે અને વિકાસ થશે.      હવે જ્યારે કેન્દ્ર સરકાર  ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હી અમેન્ડમેન્ટ બિલ ૨૦૨૦ ( જીએનસીટીડી) લાવનાર છે ત્યારે જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓને જેવા સાથે તેવાની રાજનીતિ આચરવાની તક મળી ગઇ છે. નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે આપે લોકસભા અને રાજ્યસભામાં ભાજપને સમર્થન આપ્યું હતું. હવે જોઇએ કે આપ કેન્દ્રના આ કાયદાને સમર્થન આપે છે કે કેમ. નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા તન્વિર સાદ્દીકે પણ તેમાં સૂર પુરાવ્યો હતો અને જણાવ્યું હતું કે કેજરીવાલ હવે ચીફ મેયર બની જશે.