અદાલતે પુરાવાના અભાવને ટાંકીને જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી હોવાના આધાર પર આરોપીને અચોક્કસ મુદ્દત માટે જેલમાં રાખી શકાય નહીં

(એજન્સી) તા.૭
ફેબ્રુ. ૨૦૨૦ની દિલ્હી હિંસાના સંદર્ભમાં ૨,એપ્રિલ ૨૦૨૦થી જ્યુડિશીયલ કસ્ટડીમાં રહેલા નૂર મોહમ્મદને દિલ્હીની કારકાડૂમા પોર્ટે ૫, ઓક્ટો.૨૦૨૦ના રોજ જામીન મંજૂર કર્યા છે. ખજૂરી ખાસ વિસ્તારમાં દુકાનોમાં તોડફોડ અને હુલ્લડખોરીના ત્રણ કેસમાં મોહમ્મદને પ્રત્યેક કેસમાં એક જામીન સાથે રૂા.૨૦૦૦૦ના બોન્ડ રજૂ કરવા પર જામીન મંજૂર કરવામાં આવ્યાં છે.
એડિશનલ સેશન્સ જજ વિનોદ યાદવે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા જામીનનો હુકમ કર્યો હતો. કોર્ટે નૂર મોહમ્મદને કોઇ પણ રીતે પુરાવા સાથે ચેડાં નહીં કરવા અને કોઇ સાક્ષીને પ્રભાવિત નહીં કરવા તેમજ વિસ્તારમાં શાંતિ અને એખલાસ જાળવવા તેમજ પ્રત્યેક સુનાવણીની તારીખે અદાલત સમક્ષ હાજર રહેવાની શરતે જામીન મંજૂર કર્યા છે.
તેને પોતાના સ્માર્ટ ફોનમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા, પોતાનો ફોન નંબર ખજૂરીખાસ પોલીસ સ્ટેશનના એસએચઓને આપવા અને ફોન ચાલુ રાખવા સૂચના આપી છે કે જેથી તેનો સરળતાથી સંપર્ક થઇ શકે. નૂૂર મોહમ્મદ વતી કોર્ટમાં વકીલ તરીકે અખ્તર શમીમ હાજર રહ્યાં હતાં જ્યારે ફરિયાદી ટીમ વતી ખાસ સરકારી વકીલ મનોજ ચૌધરી હાજર રહ્યાં હતાં.
૨૪, ફેબ્રુ.૨૦૨૦ના રોજ ટોળા દ્વારા જેમની દુકાન બનીબેકર્સમાં તોડફોડ કરવામાં આવી હતી એવા દુકાનના માલિક જ્ઞાનેન્દ્રકુમાર કોચરની ફરિયાદના આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. બીજી એફઆઇઆર હનિફ નામની વ્યક્તિ દ્વારા દાખલ કરાઇ હતી કે જેમણે એવો આક્ષેપ કર્યો હતો કે એ જ દિવસે હુલ્લડખોર ટોળાએ તેમની દરજીની દુકાનનો નાશ કર્યો હતો. ત્રીજી એફઆઇઆર સંજયકુમાર ગોયલે દાખલ કરી હતી. જેમણે એવો આક્ષેપ કર્યો હતો કે એ જ દિવસે ટોળાએ તેમની દવાની દુકાનને આગ ચાંપી હતી.
અદાલતે નોંધ્યું હતું કે ત્રણેય ફરિયાદીઓએ પોતાના નિવેદનમાં નૂરનો નામોલ્લેખ કર્યો નથી અને આ તોડફોડની ઘટનાના ૪૦ દિવસ બાદ ખજૂરી પોલીસ સ્ટેશન ખાતેે તેણે નૂરની ઓળખ કરી હતી. અદાલતે પુરાવાના અભાવને ટાંકીને જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી હોવાના આધાર પર આરોપીને અચોક્કસ મુદ્દત માટે જેલમાં રાખી શકાય નહીં.