(એજન્સી) તા.૯
ખેડૂતો અને સરકાર વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી ગૂંચવાયેલા કૃષિ કાયદા મુદ્દાને સરકાર હવે સુપ્રીમ કોર્ટમાં લઇ જવા માગે છે. ૮ તબક્કાની મંત્રણા બાદ પણ કોઇ નિર્ણયાક ઉકેલ નહીં આવતા સરકારે ખેડૂતોને કહ્યું છે કે આ મુદ્દે હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરે તો સારું. શુક્રવારે દિલ્હી વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનોના અને સરકારના નેતાઓ વચ્ચે ૮માં તબક્કાની બેઠક યોજાઇ. પરંતુ ૩ કલાક બાદ પણ કોઇ ઉકેલ આવ્યો નહીં કારણ કે બંને પક્ષો પોતાના વલણથી પાછા ફરવા તૈયાર નથી. સરકારનું કહેવું છે કે તે કોઇ પણ સંજોગોમાં કાયદા પાછા નહીં ખેંચે. જ્યારે ખેડૂતો કહે છે કે અમને કાયદા પાછા ખેંચવા સિવાય બીજું કંઇ નહીં ખપે. બંને પક્ષો વચ્ચે હવે ૧૫મી જાન્યુઆરીએ ૯માં તબક્કાની બેઠક યોજાવવાની છે. પરંતુ તેની સફળતા અંગે પણ સંભવના નહિવત છે. જ્યારે આ બેઠક બાદ સૂત્રોએ કહ્યું કે સરકારે ખેડૂતોને કહ્યું કે આ મામલો હવે સુપ્રીમ કોર્ટ ઉકેલે તો સારું રહેશે. શુક્રવારની બેઠકમાં સરકારે ખેડૂતોની માગ ફગાવતા ખેડૂતોની એક કમિટી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો. જ્યારે બેઠક બાદ ખેડૂત નેતા હનાન મુલાએ કહ્યું કે કૃષિ કાયદા ખેડૂત વિરોધી છે. હવે ૧૧ જાન્યુઆરીએ ખેડૂત સંગઠનોની એક બેઠક મળશે. ખેડૂત અને સરકાર વતી આજની બેઠક ૩ કલાક ચાલી હતી. જેમાં સરકારની પ્રતિનિધિ તરીકે કૃષિમંત્રી નરેન્દ્ર તોમર અને કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ હાજર હતા. હવે ૯માં તબક્કાની બેઠક ૧૫ જાન્યુઆરીએ મળશે. સરકાર સાથે બેઠકમાં ખેડૂત નેતા બળવંત સિંઘે એક નોટ લખી છે. સરકારથી નારાજ બળવંત સિંઘે લખ્યું છે કે ‘યા મરેંગે યા જીતેંગે’. સરકાર અને ખેડૂત સંગઠનોની બેઠકમાં નિર્ધારિત સમયે લંચ બ્રેક પડ્યો હતો. જેમાં સરકારી મંત્રીઓ તો મીટિંગરુમની બહાર આવ્યા હતા. પરંતુ ખેડૂત નેતાઓ અંદર જ રહ્યા હતા અને તેમણે લંચનો બહિષ્કાર કર્યો હતો. કૃષિ કાયદા અંગે ખેડૂતો સંગઠનો અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક થઇ હતી. જેમાં કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે દાયદા સમગ્ર દેશ માટે છે કોઇ રાજ્ય માટે નથી. સાથે તેમણે દાવો કર્યો કે આ કાયદાને સમગ્ર દેશના ખેડૂતોનું સમર્થન છે. ખેડૂત નેતાઓએ સમગ્ર દેશના હિતમાં આંદોલન પાછું ખેંચી લેવું જોઇએ. જ્યારે ખેડૂતોએ કહ્યું કે તેઓ કાયદા પાછા ખેંચાવવા માગે છે. તે સિવાય બીજું કંઇજ મંજૂર નથી. પરંતુ સરકારે પણ બેઠકમાં કહી દીધું કે કાયદા પાછા નહીં ખેંચાય. સરકાર સાથેની વાતચીત પહેલાં ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતે ચેતવણી આપચા જણાવ્યું કે જો કાયદા જલદી નાબૂદ નહીં થાય તો આ આંદોલન ૨૦૨૪ સુધી ચાલશે. અમે બધા રાજ્યોમાં જઇશું અને ત્યાં મોટી મોટી પંચાયતો કરીશું. દસ્તાવેજ બનાવી લોકોમાં વહેંચીશું. રાકેશ ટિકેતે સરકારને બાજીગર ગણાવતા કહ્યું કે સરકાર બાજીગર છે, અલગ-અલગ પડિકા લઇને આવે છે. પરંતુ અમારી પાસે ઘણી બધી પોટલીઓ છે. હજુ અમે તેને ખોલી નથી. અમારી પોટલીમાં ખેડૂતો છે અને અમે તેમણે દવા જણાવી દીધી છે કે કેવી રીતે આનો ઉકેલ આવશે. વિજ્ઞાન ભવનમાં ખેડૂતો સાથેની બેઠક પહેલાં કૃષિમંત્રી નરેન્દ્ર તોમર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલની ગૃહમંત્રી અમિત શાહને ઘરે મીટિંગ મળી હતી. એક કલાક ચાલેલી બેઠકમાં શાહે મંત્રીઓને સરકારી વલણ અંગે કહ્યું હોવાનું મનાય છે.