(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ખતરનાક અને જીવલેણ કોરોના વાયરસ હવે દેશના પાટનગર દિલ્હી સુધી પહોંચી ગયો છે. પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસનો પહેલો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાનો વધુ એક કેસ તેલંગાણામાં પણ નોંધાયો છે. દિલ્હીમાં જે વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે તે તાજેતરમાં જ ઈટાલીથી અને અન્ય એક વ્યક્તિ દુબઈથી પરત ફર્યો હતો. અત્યાર સુધી ભારતમાં કુલ પાંચ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે આ મામલા પર પ્રકાશ પડ્યા બાદ વિદેશથી પરત ફરેલા લોકોની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હાલમાં કોરોનાના બંને દર્દીઓની તબિયત સ્થિર છે. આ અગાઉ ચીનથી એરલિફ્ટ કરવામાં આવેલા ભારતીય નાગરિકોને માનસેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે, જ્યાં તેઓને ૨૪ કલાક માટે અન્ડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે.
ચીનથી ભારત લવાયેલા આ લોકોને કોઈને પણ મળવાની પરવાનગી આપવામાં નથી આવી. તેમજ વિદેશથી આવનારા પ્રવાસીઓની એરપોર્ટ પર જ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ જાપાનથી ‘ડાયમન્ડ પ્રિન્સેસ’ ક્રૂઝમાંથી ભારતના ૧૧૯ નાગરિકોનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને જાપાનથી સીધા માનેસર સેન્ટર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલમાં પણ ડોક્ટર્સના અન્ડર ઓબ્ઝર્વેશનમાં છે.
સુખદ વાત એ છે કે ભારતીય ડોક્ટર્સ આ રોગને ફેલાતો અટકવા માટે અને નાબૂદ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે જેના કારણે હજી સુધી ભારતમાં કોરોના વાયરસના કારણે એક પણ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો નથી. ચીનમાંથી ફેલાવવાની શરૂઆત કરનાર કોરોના વાઈરસને લીધે વિશ્વભરમાં અત્યાર સુધીમાં આશરે ૮૯ હજાર લોકો સંક્રમિત થયા છે ત્યારે આશરે ત્રણ હજાર લોકોનો આ વાઈરસે ભોગ લીધો છે.
આ પહેલા કેરલમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રણ કેસ સામે આવ્યા હતા. ત્રણેય સંક્રમિત લોકોને હૉસ્પિટલમાં અલગ રાખીને સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમાં એકની સારવાર કસારગોડની કંઝનગઢ સરકારી હોસ્પિટલમાં ચાલી રહી હતી, જ્યારે બીજા વિદ્યાર્થીની અલપ્પુઝા મેડિકલ કૉલેજમાં સારવાર થઈ. બંનેનું સ્વાસ્થ્ય સુધરવા પર તેમને રજા આપવામાં આવી હતી.