નવી દિલ્હી,તા.૧૫
દિલ્હી સરકાર વિરૂધ્ધ કેન્દ્ર સરકારના એક કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમકોર્ટે બહુ મહત્વનો સવાલ પૂછયો હતો કે, કેન્દ્ર અને રાજયો માટે બંધારણીય વ્યવસ્થાના ભાગરૂપે કાર્યપાલિકાની શકિતઓન જે વહેંચણી છે તે શું કેન્દ્રશાસિત પ્રદેશ પર પણ લાગુ પડે છે? સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના વડપણ હેઠળની બેંચે આ પૃચ્છા કરી હતી. તો બીજીબાજુ, અરવિંદ કેજરીવાલ સરકાર તરફથી સુપ્રીમકોર્ટમાં એવો પ્રશ્ન ઉઠાવાયો હતો કે, શું બંધારણ કે સંસદ દ્વારા પસાર થયેલા કોઇ કાયદામાં દિલ્હીને ભારતની રાજધાની ઘોષિત કરવામાં આવી છે? દિલ્હી સરકારના વકીલ ઇન્દિરા જયસિંહે જણાવ્યું કે, દિલ્હી સરકારની કાર્યપાલિકાની શકિતઓને બંધારણીય વ્યવસ્થાના ભાગરૂપે જોવી જોઇએ કે જેમાં કેન્દ્ર અને રાજયોના અધિકારોની વહેંચણી સ્પષ્ટ કરવામાં આવી છે. જો કોઇ જહાજને બે કેપ્ટન ચલાવે તો ભારે અવ્યવસ્થા સર્જાઇ જાય. તેમણે સુપ્રીમકોર્ટનું ધ્યાન દોર્યું કે, કાલ ઉઠીને કેન્દ્ર સરકાર દેશની રાજધાની કયાંય બીજે લઇ જવાનો નિર્ણય કરી શકે છે. બંધારણમાં કયાંય ઉલ્લેખ નથી કરાયો કે, દેશની રાજધાની દિલ્હી જ હશે. આપણે જાણીએ છીએ કે, અંગ્રેજોએ રાજધાની કલક્તાથી દિલ્હી ખસેડી હતી. નેશનલ કેપીટલ ટેરીટરી એકટ તો છે પરંતુ તે દિલ્હીને ભારતની રાજધાની નથી ગણાવતું. જો કે, સુપ્રીમકોર્ટની બેંચે આ દલીલ પર કોઇ ટિપ્પણી કરી ન હતી. સુપ્રીમકોર્ટનો સવાલ હતો કે, બતાવો કે ઉપરોકત જોગવાઇમાં કેન્દ્ર શાસિત પ્રદેશ પર કેવી રીતે લાગુ પડે છે પરંતુ દિલ્હી સરકાર તરફથી રોજબરોજના કાર્યોમાં કેન્દ્ર દ્વારા કેવી રીતે દખલ કરવામાં આવે છે તે મુદ્દે દલીલ રજૂ કરાઇ. કેન્દ્ર કેવી રીતે કહી શકે કે, દિલ્હી સરકાર પાસે કાર્યપાલિકાની શકિતઓ નથી. દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે એકઝીકયુટીવ અધિકારોની વહેંચણી છે. બંનેના અધિકારો સ્પષ્ટ છે. અનુચ્છેદ-૨૩૯ અંતર્ગત જે જોગવાઇ છે તેને એ પ્રકારે જ જોવાવી જોઇએ. ઇન્દિરા જયસિંહે વધુમાં દલીલ કરી હતી કે, રોજબરોજના કામમાં ઉપરાજયપાલની દખલ ના હોવી જોઇએ. દિલ્હીમાં જે બંધારણીય વ્યવસ્થા છે તે અંતર્ગત તેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાયું છે પરતુ અનુચ્છેદ-૨૩૯ (એએ) તેની વ્યાપકતા નક્કી કરે છે. કેન્દ્ર અને રાજયોની વચ્ચે કાર્યપાલિકોની શકિતની વહેંચણી થયેલી છે અને તે માટે અનુચ્છેદ-૭૩ અને ૧૬૨ અન્વયે જોગવાઇ કરાયેલી છે. દિલ્હી સરકાર તરફથી સિનિયર એડવોકેટ રાજીવ ધવને જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું સૌથી ઉત્કૃષ્ટ સંઘીય ઢાંચાનું ઉદાહરણ છે. બંધારણીય જોગવાઇઓમાં જો કોઇ ટકરાવ થાય તો સુપ્રીમકોર્ટે તે મામલો જોવો જોઇએ. દિલ્હીની વસ્તી દેશના અન્ય રાજયો કરતાં વધુ છે. એટલે કે, આ પ્રશ્ન ૧.૮૯ કરોડ લોકોની લોકશાહીનો છે. અહીં એક જવાબદાર લોકતાંત્રિક સરકારની જરૂર છે. બંધારણમાં કેન્દ્ર શાસિત પ્રદેશોથી અલગ દિલ્હીને અધિકાર આપવામાં આવ્યા છે. બંધારણમાં અધિકાર મળ્યા છે, ગીફ્ટમાં નહી.તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, બંધારણીય જોગવાઇ મુજબ, મંત્રીપરિષદ વિધાનસભા પ્રતિ જવાબદાર છે. એલજી મંત્રીપરિષદની સલાહથી જ કામ કરે છે. મંત્રીપરિષદના કોઇ મુદ્દા પર મતભેદ જરૂર રીફર કરાય પરંતુ કોઇપણ મુદ્દાનો અર્થ સમજવો પડે. આ કેસની વધુ સુનાવણી આગામી બુધવારે હાથ ધરવામાં આવશે.