(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
ભાજપના નેતૃત્વવાળા દક્ષિણ દિલ્હી નગર નિગમ પોતાના અધિકાર ક્ષેત્રવાળા વિસ્તારોમાં રેસ્ટોરાં અને મટનની દુકાનો માટે એવીયોજના ઘડી રહ્યુ છે જે અંતર્ગત રેસ્ટોરાં સંચાલકો અને દુકાનદારોએ સ્પષ્ટપણે દર્શાવવું પડશે કે, તેઓ હલાલ અથવા ઝટકામાંથી કયું મટન વેચી રહ્યા છે. પ્રસ્તાવ અનુસાર હલાલ ખાવું હિંદુ અને શિખ ધર્મના લોકો માટે મનાઇ છે અને આ બંને ધર્મોની વિરૂદ્ધ છે. એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાયું છે કે, નગર નિગમની સ્ટેન્ડિંગ કમિટીએ ગુરૂવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે આ પ્રસ્તાવ સદનમાં જશે જ્યાં ભાજપ પાસે બહુમત છે. કમિટીના ચેરપર્સન રાજદત્તા ગેહલોતે મટનનો પ્રકાર સ્પષ્ટ કરવા પાછલ દલીલ આપી છે કે, અમારો ઇરાદો એ છે કે, ગ્રાહકો સમજી શકે કે તેમને કયું મટન પીરસવામાં આવી રહ્યું છે અથવા અપાઇ રહ્યું છે જેથી તેઓ એ આધારે પોતાની પસંદગી કરી શકે. ગેહલોતે વધુમાં જણાવ્યું કે, હાલના સમયમાં એક પ્રકારના મટનને વેચવા અને પીરસવા માટે લાયસન્સ જારી કરાય છે જ્યારે તેના સ્થાને કેટલાક લોકો બીજું કાંઇક વેચે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રસ્તાવ છતરપુરથી કાઉન્સિલર અનીતા તંવરે આગળ વધાર્યું હતું જે મેડીકલ રીલીફ ફંડ એન્ડ પબ્લિક હેલ્થ પેનલ સમક્ષ ૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ રજૂ થયો હતો. હલાલ અને ઝટકા બંને કેસોમાં પક્ષી અથવા જાનવરને ગર્દનના ભાગેથી ધારદાર હથિયારથી કાપવામાં આવે છે. પરંતુ મૂળ ફેર કાપવાની પદ્ધતિમાં હોય છે. હલાલમાં ગરદન પર છરી ફેરવવામાં આવે છે જ્યારે ઝટકામાં જાનવરને ઇલેકટ્રિક શોક આપીને ધારદાર હથિયારથી એક ઝાટકે ગરદન કાપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમોમાં હલાલ મટન ખાવામાં આવે છે જ્યારે હિંદુઓ અને શીખોમાં ઝટકાના મટનને પ્રાધાન્યતા અપાય છે. મુસ્લિમોના હલાલ મટન માટે તર્ક આપવામાં આવે છે કે, ગરદન પર ધીમે-ધીમે છરી ફેરવવાથી શરીરમાંથી બહાર આવનારૂં બધું ખરાબ લોહી નીકળી જાય છે ત્યારે તે માંસમાં કોઇ બીમારીના લક્ષણ રહેતા નથી જ્યારે ઝટકામાં બીમારીના બેક્ટેરિયાવાળા લોહીના ઘણા અંશો રહી જાય છે અને તેના કારણે અનેક બીમારીઓ સીધા માનવીમાં આવી શકે છે.