(એજન્સી) નવી દિલ્હી, તા.૮
દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે બપોરે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સોમવારે બપોરે લગભગ ૧ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૧ની હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે ભૂકંપનું કેન્દ્ર દિલ્હી-ગુરૂગ્રામ બોર્ડર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે, આ ભૂકંપથી જાનમાલને કોઈ નુકસાન થયું હોવાની માહિતી હજુ સુધી મળી નથી.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકાની શરૂઆત ગત ૧૨ એપ્રિલથી થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં (બે મહિનાના સમયગાળામાં) દેશના જુદા-જુદા વિસ્તારમાં જુદા-જુદા દિવસે ૧૬ વખત ધરા ધ્રૂજી ચૂકી છે. એવામાં નિષ્ણાંતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. તેઓ જણાવે છે કે, ભૂકંપના આ આંચકાઓને સામાન્ય ન ગણવા જોઈએ. આ કોઈ મોટા ધરતીકંપનો પણ સંકેત હોઈ શકે છે.
પરંતુ, અહીં પ્રશ્ન એ છે કે, શું આ કોઈ મોટી ઘટનાનો સંકેત છે અથવા તો કોઈ સામાન્ય વાત જ છે ? ભારત સરકારના રેકોર્ડ મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર ભૂકંપને લઈને વધુ તીવ્રતા ધરાવતા ઝોન-૪માં આવે છે કે, જ્યાં રિક્ટર સ્કેલ પર ૮ની તીવ્રતા ધરાવતો ધરતીકંપ આવવાની શક્યતાઓ પણ રહે છે.
સિસ્મિક ઝોન-ચારમાં સામેલ દિલ્હી ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. પૂર્વ અને જૂની દિલ્હીને વધારે સંવેદનશીલ માનવામાં આવે છે. એવામાં ત્યાં હંમેશા વધુ જોખમ રહે છે.
ભૂકંપની અસરને ઓછી કરવા માટે કેન્દ્ર સરકારે દિલ્હીમાં જમીનની નીચેની માટીની તપાસ કરી અને કયા વિસ્તાર સૌથી વધારે સંવેદનશીલ છે તેના વિશેની માહિતી મેળવી છે. જમીનની અંદરની સંરચના પર થતાં અભ્યાસને સિસ્મિક માઈક્રોઝોનેશન કહેવામાં આવે છે. તેનાથી માહિતી મળે છે કે, ભૂકંપથી કયા ક્ષેત્ર સુરક્ષિત છે અને કયા ક્ષેત્ર જોખમી છે. દિલ્હીના ભૂકંપ અંગેના રિપોર્ટમાં એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, વધુ વસ્તી ધરાવતા યમુનાપાર સહિત ત્રણ ઝોન સૌથી વધારે જોખમી છે.